રાજકોટ એરપોર્ટ પર રન વે લંબાવવાનું કામ 2 વર્ષથી ટલ્લે:ઇન્ટરનેશનલ હવાઈ મથક પર 4 કિ.મી.નો રન વે બનતા 500 મુસાફરોની કેપેસિટીવાળા એરક્રાફટનું આગમન થશે : રાજ્ય સરકાર સત્વરે જમીન સંપાદન કરે તે જરૂરી

Gujarat5/19/2026, 9:58:44 AM
રાજકોટ એરપોર્ટ પર રન વે લંબાવવાનું કામ 2 વર્ષથી ટલ્લે:ઇન્ટરનેશનલ હવાઈ મથક પર 4 કિ.મી.નો રન વે બનતા 500 મુસાફરોની કેપેસિટીવાળા એરક્રાફટનું આગમન થશે : રાજ્ય સરકાર સત્વરે જમીન સંપાદન કરે તે જરૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એટલે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના રન વે ને લંબાવવાની કામગીરી બે વર્ષથી વધુ સમયથી ટલ્લે ચડી છે. વર્ષ 2024 માં જાન્યુઆરી માસમાં 3040 મીટરનો રન વે વધારી 4000 મીટરનો બનાવવા માટે એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી હતી જોકે હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું નથી અને તેને કારણે રન વે ની લંબાઈમાં વધારો થઈ શક્યો નથી. 4 કિલોમીટરના રન વે નું નિર્માણ થયા બાદ રાજકોટ એરપોર્ટ પર 500 મુસાફરોની ક્ષમતાવાળા એરક્રાફ્ટનું પણ ઉતરાણ થઈ શકશે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટથી 35 કિલોમીટર દૂર હિરાસર ગામ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. જેનું ગત 27 જુલાઈ,2023ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુવિધામાં વધારો કરવા માટે રન-વેની લંબાઈ હજુ વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સરકાર પાસે 2 વર્ષ પહેલા માંગ કરવામાં આવેલી છે. હાલમાં કાર્યરત 3040 મીટર લાંબા રન-વેને પુરે પૂરો 4000 મીટર લાંબો બનાવવા માટે 960 મીટર લંબાઈ વધારવા ઓથોરિટી દ્વારા સરકાર પાસે 77 એકર જમીનની માંગણી કરવામાં આવી છે. જે મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા કરી રન-વેની લંબાઇ વધારી દેવામાં આવશે. જે મંજૂરી મળતા 500 મુસાફરોની કેપેસિટીવાળા કોડ F ના એર બસ 380 એર ક્રાફ્ટનું ઉતરાણ થઈ શકશે. જેમાં ઇકોનોમીમાં તો 800 મુસાફરોની અવરજવર થઈ શકશે. આ મામલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનો રન-વે હાલ 3,040 મીટરનો છે. જેમાં ઉતર- પૂર્વ દિશા તરફ 960 મીટરનો વધારો કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પાસે મંજૂરી માંગવામાં આવી છે. રન- વેમાં 960 મીટરનો વધારો કરવા માટે 77 એકર જગ્યા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર મારફત રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યા બાદ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનો રન- વે 3040ના બદલે 4,000 મીટરનો થઈ જશે. જેમાં જમીન સોંપણી બાદ 960 મીટર રન- વે વધારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરની મધ્યમાં આવેલ જૂના એરપોર્ટ પર 1,875 મીટર લાંબો રન- વે હતો. જ્યારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3,040 મીટર લાંબો રન- વે હાલમાં કાર્યરત છે. જેથી એરક્રાફટ સરળતાથી લેન્ડ કરી શકે છે. આ ઉપરાંત પાઈલોટને એરક્રાફ્ટ લેન્ડ કરવામા મૂશ્કેલી પડતી નથી. ઓછી વિઝિબ્લિટીમાં પણ એરક્રાફટ લેન્ડ થઈ શકે છે. કારણ કે, પાઈલોટને એરક્રાફટને લેન્ડ કરવામાં ખાસ્સો સમય અને વિશાળ જગ્યા પણ મળે છે.
Read Original Article →