રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી રૂ.31.10 લાખનો દારૂ ઝડપાયો:ખાતરની બોરીઓની આડમાં છુપાવેલ દારૂની બોટલો અને ટ્રક મળી રૂ.46.20 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ

Gujarat6/9/2026, 6:41:30 PM
રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી રૂ.31.10 લાખનો દારૂ ઝડપાયો:ખાતરની બોરીઓની આડમાં છુપાવેલ દારૂની બોટલો અને ટ્રક મળી રૂ.46.20 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં મંગળવારે સાંજે રાજકોટ અમદાવાદ હાઈવે પર દરોડો પાડી 31.10 લાખનો વિદેશી દારૂ મળી કુલ 46.20 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ શખ્સ અગાઉ પણ બે વખત દારૂની ખેપ મારતા પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે અને આ વખતે પણ પોલીસથી બચવા ખાતરની બોરીઓની આડમાં દારૂ છુપાવી લાવતો હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે.36.એક્સ.3778 પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને અમદાવાદથી રાજકોટ તરફ આવી રહ્યો છે આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ અમદાવાદ બામણબોર ચેકપોસ્ટથી એક કિલોમીટર દૂર હાઈવે પર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબનો ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાં કાળી માટી એટલે કે ખાતર જેવી બોરીઓ ભરેલી હોવાનું જણાતું હતું પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ખાતરની બોરીઓની આડમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી પોલીસે કુલ રૂ.31.10 લાખની કિંમતનીં 2400 બોટલો અને નાના દારૂના ચપલા મળી કુલ 20,736 નંગ દારૂ કબ્જે કરી રાજસ્થાનના ટ્રક ચાલક સત્યપાલ ગોદારાની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ઉપરાંત ટાટા ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.46.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આરોપી વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને આપવાનો હતો તે દિશામાં પુછપરછ હાથ ધરી દારૂ મંગાવનાર અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સત્યપાલ અગાઉ બે વખત દારૂની ખેપ મારવા ગુનામાં રાધનપુર અને થાનગઢ પોલીસમાં પકડાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Read Original Article →