બોયફ્રેન્ડ સાથે સગાઈની જીદ:રાજકોટ અભયમ દ્વારા નાની ઉંમરે પ્રેમ-લાગણીઓના આવેગમાં ભૂલ કરવા જતી સગીરાનું સફળ કાઉન્સેલિંગ કરાયું, પરિવારે માન્યો આભાર
આજકાલ નાની ઉંમરે પ્રેમ-લાગણીઓના આવેગમાં સગીર યુવક-યુવતી સમજદારીના અભાવે પરિવારની વિરુદ્ધ જઈ સગાઈ કે લગ્નની જીદ કે અન્ય આત્યંતિક પગલું ભરવાની ભૂલ કરતા હોય છે. જો કે રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં આવા એક કિસ્સામાં 181 અભયમની ટીમે બોયફ્રેન્ડ સાથે સગાઈની જીદ લઈને બેસેલી સગીરાનું સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતી 16 વર્ષની સગીરા પ્રેમ સંબંધના કારણે ઘરે રહેવા માંગતી ના હોવાનું અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે જવા માંગે છે તેમ જીદ પર અડગ રહેતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. જોકે પરિવાર દ્વારા અનેકવાર સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સગીરા કોઈ વાત માનવા તૈયાર નહોતી. અંતે પરિવારજનોએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર મિતલ ખરા અને પાયલોટ વિશાલભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિવારજનો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરાની છેલ્લા 5 વર્ષથી એક યુવક સાથે ઓળખાણ હતી. તે પોતાની માતાના ફોન દ્વારા યુટ્યુબ લાઈવ ચેટ અને ટેલિફોનિક વાતચીત કરતી હતી. પરિવારને જાણ થતાં તેમણે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સગીરા કોઈ પ્રતિસાદ આપતી નહોતી. આ દરમિયાન પિતા દ્વારા ગુસ્સામાં દીકરી પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે સગીરા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જોકે લગભગ એક કલાક બાદ તે ઘરે પરત ફરી હતી. આ સમય દરમિયાન તેણે પોતાના મિત્ર સાથે વાત કરી લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. પરત આવ્યા બાદ સગીરાએ પરિવારજનોને જણાવ્યું કે તેને હવે જીવવું નથી, ઘરે રહેવાં માંગતી નથી અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે જવા માંગે છે. પરિવારજનો દ્વારા ઘણી સમજાવટ છતાં તે પોતાના નિર્ણય પર અડગ રહેતાં અંતે 181 અભયમ ટીમની મદદ લેવામાં આવી હતી. 181 અભયમ ટીમે સગીરા સાથે સંવેદનશીલ રીતે વાતચીત કરી અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં ટીમ દ્વારા તેને સમજાવવામાં આવ્યું કે હાલ તેની ઉંમર લગ્ન માટે કાયદેસર યોગ્ય નથી અને બાળલગ્ન કાયદા મુજબ ગુનો છે. સાથે જ તેના ભવિષ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાઉન્સેલિંગ દરમિયાન સગીરાને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ભવિષ્યમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવા અને પરિવારના માર્ગદર્શન હેઠળ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અંતે સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી કોઈના સંપર્ક માં નહિ આવવા ,અભ્યાસ ચાલુ રાખવાની, ઘરે જાણ કર્યા વગર બહાર ન જવાની, આત્મહાનિ જેવા વિચારો ન કરવાની તથા પુખ્ત વય પ્રાપ્ત થયા બાદ જ લગ્ન અંગે નિર્ણય લેવાની ખાતરી પોતાના માતા-પિતાને આપી હતી. 181 અભયમ ટીમના સમયસર અને અસરકારક કાઉન્સેલિંગથી પરિવારને મોટી રાહત મળી હતી.181 અભયમ ટીમની કામગીરીએ એક સગીરાનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →