આચાર સંહિતાનો કડક અમલ:શહેરમાંથી 650 બોર્ડ-બેનરો હટાવી દેવાયા, એસ્ટેટ વિભાગની તમામ એજન્સીઓ સાથે બેઠક

Gujarat4/5/2026, 6:14:07 AM
આચાર સંહિતાનો કડક અમલ:શહેરમાંથી 650 બોર્ડ-બેનરો હટાવી દેવાયા, એસ્ટેટ વિભાગની તમામ એજન્સીઓ સાથે બેઠક
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિતની વિવિધ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને અન્ય સ્વાયત સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને 1 એપ્રિલથી આદર્શ આચાર સંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન ન કરે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને એસ્ટેટ શાખા સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. બે દિવસમાં શહેરમાંથી સરકારી જાહેરાત વાળા 650 બોર્ડ અને બેનરો હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે એસ્ટેટ વિભાગે તમામ એજન્સીઓ સાથે બેઠક યોજી સરકારી જાહેરાત વાળા બોર્ડ-બેનરો હટાવવા કડક સૂચના આપી દીધી છે. દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી મનપાની આ કામગીરીમાં ખાસ કરીને એવા બોર્ડ અને બેનરો પર નિશાન સાધવામાં આવ્યું હતું, જેમાં રાજકીય નેતાઓની તસવીરો, તેમના નામ અને હોદ્દાની વિગતો દર્શાવવામાં આવી હતી. વિગતવાર માહિતી મુજબ, દબાણ હટાવ શાખાની ટીમે શહેરના વિવિધ વોર્ડમાં ફરીને આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં વોર્ડ નં. 9 નિલકંઠ સોસાયટી વિસ્તાર અને આસપાસના મુખ્ય માર્ગો, વોર્ડ નં. 13 આનંદ બંગલા ઇન્ડસ્ટ્રિઝ એરિયા, વોર્ડ નં. 14નાં મુખ્ય ચોક અને જાહેર મિલકતો તેમજબવોર્ડ નં. 2 સરકીટ હાઉસ અને તેની આસપાસના વિસ્તારોમાંથી બોર્ડ અને બેનરો હટાવવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા રાજકીય હોર્ડિંગ્સ અને ધજા-પતાકાઓને જપ્ત કરવામાં આવ્યા છે. પ્રચાર સાહિત્ય જાહેરમાં ન લગાવવા સૂચના દબાણ હટાવ શાખાના અધિકારીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આચાર સંહિતા દરમિયાન શહેરના તમામ 18 વોર્ડ અને વિસ્તારોમાં સતત ફેરણી કરવામાં આવશે. જ્યાં પણ નિયમ વિરુદ્ધ બોર્ડ કે બેનર જોવા મળશે, તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, તમામ રાજકીય પક્ષો, સંસ્થાઓ અને નેતાઓને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યાં સુધી આચાર સંહિતા અમલમાં છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પ્રચાર સાહિત્ય જાહેરમાં નહીં લગાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. એસ્ટેટ શાખા દ્વારા એજન્સીઓને આદેશ બીજી તરફ, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પણ સક્રિય બની છે. એસ્ટેટ શાખા દ્વારા શહેરની આશરે 60 જેટલી ખાનગી જાહેરાત એજન્સીઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, જો કોઈ પણ સ્થળે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર કરતા બોર્ડ અથવા કોઈનરાજકીય પ્રચાર-પ્રસાર કરતા હોર્ડિંગ્સ લગાવેલા હોય, તો તેને તુરંત દૂર કરવાના રહેશે. એસ્ટેટ શાખા દ્વારા તમામ 60 એજન્સીઓના પ્રતિનિધિઓને બોલાવીને આ અંગે સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. જો એજન્સીઓ દ્વારા હોર્ડિંગ્સ જાતે દૂર કરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા તે ઉતારી લેશે અને તેનો ખર્ચ પણ જે તે એજન્સી પાસેથી વસૂલવામાં આવી શકે છે. 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે કામગીરી ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, પરંતુ વહીવટી તંત્ર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે કામ કરી રહ્યું છે. મનપાની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવાનો છે. આગામી દિવસોમાં પણ પોલીસ તંત્ર અને ચૂંટણી પંચની ટીમો સાથે મળીને મનપા દ્વારા આચાર સંહિતાના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવશે. શહેરીજનોમાં પણ આ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. આમ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આચાર સંહિતાના પ્રથમ 48 કલાકમાં જ આક્રમક કામગીરી બતાવીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ચૂંટણી નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર સજ્જ છે.
Read Original Article →