મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાશે:રૂ.20 કરોડની સરકારી જમીન પર કાચા-પાકા 24 મકાનોનું દબાણ દૂર કરવા નોટિસ
રાજકોટમાં સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા કમર કસી દેવામાં આવી છે. જેમાં શહેરના મવડી વિસ્તારની સર્વે નં.194 પૈકીની 4500 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બાંધકામો ખડકી દેનારા 24 જેટલા દબાણકારોને સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. જેની અંદાજિત કિંમત રૂ.20 કરોડ જેટલી થાય છે. 24 દબાણકારોને દબાણ દૂર કરવાની નોટિસ
મવડી વિસ્તારમાં કાચા - પાકા 24 મકાનો લાંબા સમયથી ખડકાઈ ગયા છે. જે સરકારી જમીન ઉપર દબાણરૂપ હોવાથી જીલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં દક્ષિણ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં મકાનોના કોઈ પુરાવા હોય તો તે રજુ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું છે. થોડા દિવસોમાં આ દબાણકારોને હિયરિંગ માટે બોલાવવામાં આવશે. દબાણ થયેલા જમીનની કિંમત 20 કરોડ
જે બાદ પણ દબાણકારો દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવે તો અંદાજિત 4500 ચોરસ મીટર સરકારી જમીનો પર કબ્જો જમાવી ખડકાયેલા 24 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. મવડીની આ જમીનનું મુલ્ય હાલના મોંઘવારીના સમયમાં ઉંચકાયેલુ હોય આ સરકારી જમીનની કિંમત રૂ.20 કરોડને પાર પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જો દબાણકારો દ્વારા દબાણ દૂર નહીં થાય તો પોલીસ પ્રોટેક્શન સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે.
Read Original Article →