PMની અપીલનો અમલ, સાંસદની ST બસમાં સવારી:પરસોતમ રૂપાલાએ કહ્યું વોલ્વોની સફર એટલી આરામદાયક રહી કે એક પુસ્તક વાંચી નાખ્યું

Gujarat6/9/2026, 4:24:25 PM
PMની અપીલનો અમલ, સાંસદની ST બસમાં સવારી:પરસોતમ રૂપાલાએ કહ્યું વોલ્વોની સફર એટલી આરામદાયક રહી કે એક પુસ્તક વાંચી નાખ્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલના અમલ સ્વરૂપે રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ આજે અમદાવાદથી રાજકોટ વોલ્વો બસની સવારી કરી હતી. અહીં પહોંચતાની સાથે જ તેમણે એસટી બસમાં મુસાફરીને આહલાદક ગણાવી. પોતે આ સફર દરમિયાન ચેતના વાછાણી લિખિત ટહુકો પુસ્તક પણ વાંચ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે અગાઉની અને અત્યારની એસટી બસમાં જમીન આસમાનનો ફર્ક બતાવ્યો તો આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને એક વર્ષ પૂર્ણ થવા પર શોક વ્યક્ત કર્યો અને દિશાવાળો જણ અને ફૌજનો આગેવાન ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. 'અમદાવાદથી રાજકોટ વોલ્વોની સફરમાં એક પુસ્તક વાંચી લીધું' પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં આવવાનો જે અનુભવ થયો તે અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી અને કમ્ફર્ટથી રાજકોટ પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ન આવ્યો. આપણે માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ તો આપણી મનપસંદ એક્ટિવિટી ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી લીધું. તેના ઉપરથી સમજી શકાય કે બસમાં મને કેટલો કમ્ફર્ટ ઝોન મળ્યો હશે. અમદાવાદથી રાજકોટ હું ચાર કલાકમાં પહોંચી ગયો. 'અભ્યાસ સમયે પણ એસટીમાં મુસાફરી કરી છે' તેમણે વધુમાં જણાવ્યું કે, હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ મેં એસટી બસમાં મુસાફરી કરેલી છે. તે વખતે સીધી ગાંધીનગરની બસ ન હતી એટલે અમદાવાદ ગીતામંદિર ઉતરી જતા અને ત્યાંથી ડબલ ડેકર શોધતા. હું અભ્યાસ કરતો ત્યારે પણ એસટી બસની મુસાફરી કરેલી છે પરંતુ ત્યારની અને અત્યારની બસોમાં જમીન - આસમાનનો ફર્ક છે. માસ ટ્રાન્સપોર્ટેશનમાં એસટી વિભાગનો રોલ ખૂબ જ મહત્વનો છે. આજે રાજ્ય સરકારે નવી એસટી બસો પણ રાજકોટને ફાળવી છે અને અહીંથી સીધી ભુજની રોજની બસ શરૂ થઈ છે. જે બસોના ઉદ્ઘાટન માટે સવારે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ હું ગાંધીનગર હોવાથી પહોંચી શક્યો ન હતો તો હું વોલ્વો બસમાં બેસીને જ રાજકોટ આવ્યો. 'સ્વ. વિજય રુપાણીની ખોટ તો સદૈવ રહેવાની' ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનને એક વર્ષ પૂર્ણ થયું તે અંગે પૂછવામાં આવતા રૂપાલાએ જણાવ્યું હતું કે, અમારા એક ઝુઝારૂ નેતાએ અકાળે દુર્ઘટનાનો ભોગ બની અમારી વચ્ચેથી વિદાય લીધી તેનો વસવસો અમારા સમગ્ર ભાજપ પરિવારને છે. એક દિશાવાળો જણ, ફૌજ માટે લડી શકે તેવો આગેવાન આપણે ગુમાવ્યો છે તેની ખોટ તો સદૈવ રહેવાની છે. પરંતુ એણે પ્રસરાવેલી સુવાસ અને શરૂ કરેલા કાર્યોને સતત ચાલુ રાખીને લોકોની વચ્ચે સદૈવ તેમના વિચારો અને પ્રયાસો સાથે જીવશે તેવી મને શ્રધ્ધા છે.
Read Original Article →