વિદ્યાર્થીઓ-વાલીઓના વેકેશનના મૂડ પર પેપર લીકનું ‘ગ્રહણ’:2024માં ગેરરીતિ છતાં NTAએ શીખ ન લીધી, 2026માં ફરી લાખો વિદ્યાર્થીઓના સપના ફૂંકી માર્યા : હવે રિ-નીટનો વિરોધ

Gujarat5/13/2026, 12:00:00 AM
વિદ્યાર્થીઓ-વાલીઓના વેકેશનના મૂડ પર પેપર લીકનું ‘ગ્રહણ’:2024માં ગેરરીતિ છતાં NTAએ શીખ ન લીધી, 2026માં ફરી લાખો વિદ્યાર્થીઓના સપના ફૂંકી માર્યા : હવે રિ-નીટનો વિરોધ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ઘોર બેદરકારીના કારણે ફરી એકવાર દેશના 22 લાખ વિદ્યાર્થી રસ્તા પર આવી ગયા છે. 2024માં થયેલી ગેરરીતિઓ બાદ આશા હતી કે સિસ્ટમ સુધરશે, પરંતુ 2026માં ફરી એ જ ઇતિહાસનું પુનરાવર્તન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ‘NO Re-NEET’ ના નારા લાગી રહ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ એવા વિદ્યાર્થીઓની છે જેઓ વર્ષોની મહેનત બાદ રિલેક્સ થવા વિદેશ પ્રવાસના પ્લાન કરી ચૂક્યા હતા, પરંતુ હવે પેપર લીક કાંડે તેમની ખુશીઓ પર પાણી ફેરવી દીધું છે. વાલીઓએ કહ્યું કે, બે દિવસ પછી સ્વિત્ઝર્લેન્ડ પ્રવાસે જવાનું હતું, પરીક્ષા રદ થઇ એટલે કેન્સલ કર્યું. અને હજુ પણ રિ-નીટમાં પેપર લીક નહીં થાય તેની શું ગેરંટી છે. પરીક્ષા રદ થવાના સમાચાર આવતાં જ રાજકોટમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સીધો સવાલ કર્યો હતો કે, જો NTA બે વર્ષમાં પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત ન કરી શકી હોય, તો ફરીથી લેવાનારી પરીક્ષા પારદર્શક હશે તેની શું ખાતરી? વાલીઓએ કહ્યું કે, NTA પેપરની સુરક્ષા કરવામાં દર વખતે નિષ્ફળ જાય છે. વાલીઓનું કહેવું છે કે, પેપર લીક કરનારા માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં સરકાર અને એજન્સી ઊણી ઉતરી છે. દિવસના 14-14 કલાક મહેનત કરી હતી : વિદ્યાર્થિની : છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા, પ્રસંગો અને ઊંઘનો ત્યાગ કરીને દિવસના 14-14 કલાક મહેનત કરી હતી. પરીક્ષા સારી ગઈ હતી અને મને વિશ્વાસ હતો કે આ વખતે મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું થશે. પણ હવે અચાનક પરીક્ષા રદ થતા બધી મહેનત પાણીમાં ગઈ. અત્યારે બાળક માટે દરેક દિવસ મહત્ત્વનો છે, નેગેટિવ વિચાર્યા વિના આગળ વધવું જોઈએ રિ-નીટ માટે વિદ્યાર્થીઓ હવે માનસિક રીતે તૈયાર નથી. બાળકો ખૂબ નિરાશ છે કારણ કે ઓલરેડી બે વખત તો નીટ આપી છે. આપણી પાસે હવે વિચારવાનો સમય જ નથી. સરકારે કે NTAએ જે નિર્ણય કર્યો તે સાચું છે કે ખોટું. અત્યારે બાળક માટે દરેક દિવસ મહત્ત્વનો છે. નેગેટિવ વિચાર કર્યા વિના આગળ વધવાનું વિચારવું જોઈએ. > નેહા દેસાઈ, શિક્ષક ‘પરીક્ષા પર ચર્ચા’ કરનાર સરકાર હવે વિદ્યાર્થીઓના ભવિષ્યના પ્રશ્ને મૌન કેમ? સરકારની બેદરકારી અને પરીક્ષા વ્યવસ્થાની ખામીઓના કારણે વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થાય છે. ‘પરીક્ષા પર ચર્ચા’ કરનાર વિદ્યાર્થીઓના માનસિક તણાવ, ડિપ્રેશન અને ભવિષ્ય સાથે થઈ રહેલા ખેલ પર મૌન કેમ ? NEET જેવી દેશની સૌથી મહત્ત્વપૂર્ણ પરીક્ષામાં ગોટાળા, સાબિત કરે છે કે NTA સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. > રોહિતસિંહ રાજપૂત, વિદ્યાર્થી નેતા હાલ બાળકને સૌથી વધુ વાલીની જરૂર, વિદ્યાર્થીની સામે ચિંતા વ્યક્ત ન કરો: પરીક્ષા રદ થઈ છે, બાળકની આવડત નહીં વિદ્યાર્થીઓ તમારી મહેનત, રાત-દિવસના ઉજાગરા અને તમારા સપનાઓ જ્યારે અચાનક અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ જાય, ત્યારે હતાશા થવી સ્વાભાવિક છે. પરંતુ યાદ રાખજો, જે સંજોગો તમારા નિયંત્રણમાં નથી, તેના વિશે ચિંતા કરીને તમારી આંતરિક શક્તિને વેડફશો નહીં. NEET પરીક્ષા રદ થવામાં તમારો કોઈ દોષ નથી, તમારી બુદ્ધિ કે તમારી મહેનતની હાર નથી. તમે જે વાંચ્યું છે, જે જ્ઞાન મેળવ્યું છે, તે તમારી પાસેથી કોઈ છીનવી શકવાનું નથી. હાલ સોશિયલ મીડિયાની ચર્ચાઓથી દૂર રહીને પોતાની જાતને પૂછો કે શું એક પરીક્ષાનું રદ થવું તમારા વર્ષોના સપના કરતાં મોટું હોઈ શકે? ક્યારેય નહીં. બીજી બાજુ આ સમયે સંતાનોને સૌથી વધુ જરૂર તેના માતા-પિતાની છે. વાલીઓએ પોતાની ચિંતા બાળક સામે વ્યક્ત કરવાને બદલે ધૈર્ય રાખવું જોઈએ. ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું અને બાળક પર ‘વર્ષ બગડ્યું’ જેવું માનસિક દબાણ ન લાવવું. પરીક્ષા રદ થઈ છે, બાળકની આવડત નહીં, એ વાત સમજવી અને સમજાવવી ખૂબ જરૂરી છે. વાલીઓની સમજદારી જ બાળકને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવી શકશે. - ડૉ.યોગેશ જોગસણ, પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન, એક્સપર્ટ ગુનેગારને શોધવાના બદલે 22 લાખ વિદ્યાર્થીઓને ‘રિ-નીટ’ની સજા અપાઈ વર્ષ 2024માં પણ નીટની પરીક્ષામાં ગેરરીતિ થઇ હતી, પરંતુ NTAએ તેમાંથી પણ શીખ ન લીધી અને ફરી અત્યારે પેપર લીક થયા. નીટની પરીક્ષામાં દર વર્ષે કંઈકને કંઈક ઈસ્યૂ થયા જ કરે છે, પરંતુ જવાબદાર કોણ છે? તેની સામે શું પગલાં લેવાયા તેનું કશું થતું નથી. હવે રિ-નીટના પેપર લીક નહીં થાય તેની શું ગેરંટી છે કોઈ જ નથી. એવું કહેવાય છે કે 100 ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ, પરંતુ અહીં તો એકસાથે 22 લાખ વિદ્યાર્થીને સજા થઇ તેનું જવાબદાર કોણ? JEEની પરીક્ષા ઓનલાઈન લેવાય છે તો NEET કેમ નથી લેતા. > કિલોલ કારિયા, વાલી
Read Original Article →