છેતરપિંડીમાં વળાંક:એક મેસેજ અને 45 લાખ સાફ! હવે PGVCLના GM સામે MDએ તપાસ શરૂ કરાવી, પગલાં લેવાશે

Gujarat5/13/2026, 12:00:00 AM
રાજકોટ PGVCLમાં એમ.ડી.ના નામે થયેલી રૂ.45.60 લાખની છેતરપિંડીમાં હવે વળાંક આવ્યો છે. આટલી મોટી રકમ કોઈપણ પૂર્વ મંજૂરી કે ઓડિટ વગર માત્ર એક વોટ્સએપ મેસેજ પર ટ્રાન્સફર કરી દેવાતા જનરલ મેનેજર (ફાઈનાન્સ) કિંતુકુમાર મલકાન સામે એમ.ડી. કે.પી. જોષી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી કંપનીના નાણાકીય પ્રોટોકોલના લીરેલીરા ઉડાવનાર જવાબદાર અધિકારી સામે આગામી દિવસોમાં આકરી શિક્ષાત્મક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે. PGVCL જેવી કોર્પોરેટ સરકારી કંપનીમાં કોઈ પણ પેમેન્ટ માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી પડે છે, પરંતુ અહીં બધું જ નેવે મૂકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફાઈનાન્સ વિભાગમાં નિયમ મુજબ ફાઈલ પ્રોસેસ, સહી-સિક્કા અને ચકાસણી બાદ જ રકમ છૂટી કરવામાં આવે છે. તો શું માત્ર એક વોટ્સએપ મેસેજ આ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ કરતા મોટો થઈ ગયો? એમ.ડી.ના નામે આવેલા મેસેજને ક્રોસ વેરિફાઈ કર્યા વગર જ સીધા રૂ.45.60 લાખ ટ્રાન્સફર કરવા એ GM કક્ષાના અધિકારી માટે ગંભીર બેદરકારી ગણાય છે. આ સમગ્ર બાબતે જયારે દિવ્ય ભાસ્કરે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કે.પી જોષી સાથે વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું કે, આ સમગ્ર બાબતમાં જે થયું છે તેની પોલીસ તપાસ ચાલી રહી છે, સાથે સાથે પીજીવીસીએલના જનરલ મેનેજરની પણ એટલી જ ગંભીર બેદરકારી છે એટલે તેની સામે પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગામી દિવસોમાં જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે. ભાસ્કરે સંપર્ક કર્યો તો GMએ કહ્યું, ‘છાતીમાં દુખાવો છે, હોસ્પિટલમાં છું’ PGVCLમાં MDના નામે થયેલા રૂ.45 લાખના ફ્રોડ મામલે તપાસનો ગાળિયો કસાતા જ નવો વળાંક આવ્યો છે. આ ગંભીર બેદરકારી બદલ જેમના પર તપાસ શરૂ થઈ છે તે જનરલ મેનેજર (ફાઈનાન્સ) કિંતુકુમાર મલકાનને જ્યારે આ મામલે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ‘છાતીમાં દુખાવો’ હોવાનું કહી પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું. એક તરફ સાયબર પોલીસ અને બીજી તરફ ખાતાકીય તપાસ તેજ થઈ છે, ત્યારે GMની આ ‘બીમારી’ ચર્ચાનો વિષય બની છે. કેવી રીતે બની સમગ્ર ઘટના PGVCLની લક્ષ્મીનગર મેઇન બ્રાન્ચમાં GM (ફાઈનાન્સ) તરીકે ફરજ બજાવતા મલકાન પર અચાનક એક વોટ્સએપ મેસેજ આવ્યો. જેમાં MDનો ફોટો હતો અને તાત્કાલિક પેમેન્ટ કરવાની સૂચના હતી. સાયબર ઠગની જાળમાં ફસાયેલા GMએ ઓફિસના SBI એકાઉન્ટમાંથી બેંકના એક અજાણ્યા ખાતામાં RTGS કરી દીધું હતું.
Read Original Article →