નરેશ પટેલના નિવૃત્તિના સંકેત, અનાર પટેલ લીડ કરશે?:કહ્યું- સક્ષમ ટીમ, આરામ કરું તો પણ વાંધો નથી, મારી જગ્યા પરિવારમાંથી કોઈ નહીં લે

Gujarat5/23/2026, 8:27:15 AM
નરેશ પટેલના નિવૃત્તિના સંકેત, અનાર પટેલ લીડ કરશે?:કહ્યું- સક્ષમ ટીમ, આરામ કરું તો પણ વાંધો નથી, મારી જગ્યા પરિવારમાંથી કોઈ નહીં લે
આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ’દશાબ્દી મહોત્સવ 2027’નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજ(23 મે) રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું છે જે સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ફરી આ આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા આમંત્રણ આપશે. આ પ્રસંગે નરેશ પટેલે નિવૃત્તિના પણ સંકેત આપ્યા છે. વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેત સાથે જણાવ્યું હતું કે, અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે હું આરામ કરવા માંગુ છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહિ આવે એની પણ ખાતરી આપું છું. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલની નિવૃત્તિ બાદ અનાર પટેલ ખોડલધામને લીડ કરે તો નવાઈ નહીં. માતાજીનો રથ ફરી સર્વ સમાજને દશાબ્દી મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવશે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ 19, 20 અને 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જે રીતે લાખો લોકો જોડાયા હતા એ જ રીતે દશાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે. ખોડલધામ ટ્રસ્ટ કોઈ આમંત્રણ પત્રિકા ક્યારેય છપાવતું નથી, પરંતુ ખુદ માતાજી સાક્ષાત આમંત્રણ આપવા ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચે છે માટે આ વખતે અલગ અલગ ત્રણ ઝોનમાં માતાજીનો રથ ફરી સર્વ સમાજને દશાબ્દી મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવશે. આજે માતાજીના આ ત્રણેય રથનું પ્રસ્થાન રાજકોટ ખાતેથી કરાવવામાં આવ્યું છે. સક્ષમ ટીમ છે, હવે હું આરામ કરું તો પણ વાંધો નથી: નરેશ પટેલ નરેશ પટેલે આજે રથનું પ્રસ્થાન કરાવતા પહેલા નિવેદન આપ્યું હતું કે, અહીંયા ઉપસ્થિત ઘણા લોકો 2011થી મારી સાથે જોડાયેલા છે, ઘણા લોકો 2017થી જોડાયેલા છે. આજે 10 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે આટલા બધા લોકો સાથે છે એ જ મોટી સફળતા કહેવાય. આવડી મોટી સક્ષમ ટીમ છે હવે તો હું આરામ કરું તો પણ વાંધો નથી. ‘મારી જગ્યા મારા પરિવારના કોઈ સભ્યો ક્યારેય નહિ લે’ 2017માં આપણી સ્વયંસેવકોની કુલ 29 કમિટી ખડેપગે હતી અને તે લોકોને હાથ જોડી વિનંતી કરી સાથ સહકાર માંગી રહી હતી. આજે તો તેનાથી પણ વધુ વિવેક આપણી અંદર આવી ગયો છે માટે કોઈ જ તકલીફ પડવાની નથી. માતાજીના આશીર્વાદ આપણી સાથે જ છે. મારા માટે આ પહેલો કાર્યક્રમ: અનાર પટેલ અનારબેન પટેલે જણાવ્યું હતું કે, આજે રથ પ્રસ્થાનનો દિવસ આવી ગયો છે. રથ જિલ્લા સુધી તાલુકા સુધી પહોંચી રહ્યો છે આની સાથે સાથે આપણી સંગઠનની ટીમ પણ જિલ્લાથી ગામ સુધી પહોંચી મજબૂત બની રહી છે. મારા માટે આ પહેલો કાર્યક્રમ છે અને આ માહોલ ગઇકાલ રાતથી હું નિહાળી રહી છું. મોડી રાત સુધી યુવાનો ભાઈઓ-બહેનો બધા એક થઈ આ અવસર આ પ્રસંગને યાદગાર બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ‘સમાજને કયા આપણી જરૂર છે એનો સર્વે કરીશું’ નરેશભાઈના વિચારથી આજ દિવસ સુધી આખો પાટીદાર સમાજ અને તેના વિચારો બદલાઈ ગયા છે. આ કાર્યક્રમ થકી આપણે આપણા સમાજના નાનામાં નાના પરિવાર સુધી પહોંચી શકીશું. આ પણ વાંચો: 21 જાન્યુઆરીએ જ અનાર પટેલને અધ્યક્ષ કેમ બનાવાયાં? અનાર પટેલ ત્રણ વર્ષ પહેલાં ખોડલધામના ટ્રસ્ટી બન્યાં હતાં ગુજરાતમાં પાટીદાર સમાજની તાકાત કોઈનાથી છૂપી નથી. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલે ત્રણ વર્ષ પહેલાં જ ખોડલધામ ટ્રસ્ટમાં પ્રવેશ કરી લીધો હતો. તેમની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા હતી, પરંતુ તેમણે ચૂંટણી લડી નહોતી. વિધાનસભાની ચૂંટણી બાદ ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની એન્ટ્રી થઈ રહી છે, જેને ગુજરાતના રાજકારણમાં એક મોટા પગલા તરીકે જોવામાં આવે છે. કોણ છે અનાર પટેલ? અનાર પટેલ છેલ્લાં 34 વર્ષથી સેવાકાર્ય સાથે જોડાયેલાં છે. તેઓ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તીકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યાં છે. અનાર પટેલની ઓળખ સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે થાય છે. તેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, પરંતુ તેઓ લાંબા સમયથી મહિલા સશક્તીકરણ માટે કામ કરી રહ્યાં છે. તેઓ જાણીતાં સમાજસેવિકા, માનવ સાધના ટ્રસ્ટના સહ-સ્થાપિકા છે. તેઓ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલનાં પુત્રવધૂ છે. B.Sc. અને MBA (નિરમા યુનિવર્સિટી) કર્યું છે. તેમણે કુટુંબના સહયોગથી માનવ સાધના ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે 7000થી વધુ લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડી રહ્યું છે. હસ્તકલા અને મહિલા સશક્તીકરણ માટે "ગ્રામશ્રી" અને "ક્રાફ્ટરૂટ્સ"ની સ્થાપના કરી, જે અત્યારસુધીમાં દેશનાં 21 રાજ્યના 35000થી વધુ કારીગરોને રોજગારી આપી ચૂક્યું છે. 19 જાન્યુઆરી 2027એ દશાબ્દી મહોત્સવનો શુભારંભ આગામી તારીખ 19 જાન્યુઆરી 2027ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ મંદિરે દશાબ્દી મહોત્સવનો શુભારંભ થશે. જેમાં સવારે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા થશે અને પુષ્પવર્ષા થશે. બપોર બાદ ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે મહારાસ યોજાશે બીજા દિવસે તારીખ 20 જાન્યુઆરી 2027ને બુધવારના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ થશે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડેથી ભાઈઓ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉપસ્થિત રહેશે અને મહારાસમાં જોડાશે. આ પણ વાંચો: આનંદીબેનનાં દીકરી હવે ખોડલધામનાં સર્વેસર્વા અંતિમ દિવસે નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે અંતિમ દિવસે તારીખ 21 જાન્યુઆરી 2027ને ગુરુવારના રોજ 1008 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને બીડું હોમવામાં આવશે. માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે, સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ ખોડલધામ મંદિરે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં ચેરમેન નરેશભાઈ પટેલ ઉદબોધન કરી સમાજ જોગ સંદેશ આપશે અને દશાબ્દી મહોત્સવનું સમાપન થશે. ત્રણેય દિવસ દરમિયાન શ્રી ખોડલધામની 10 વર્ષની યાત્રાનું પ્રદર્શન આ ત્રણેય દિવસ દરમિયાન ખાસ શ્રી ખોડલધામની 10 વર્ષની યાત્રાનું પ્રદર્શન કરવામાં આવશે. મહોત્સવમાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે રોજ સવારે અલ્પાહાર, બપોરે ભોજન (ફરાળ સાથે) અને સાંજના ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવશે. આવતીકાલે ત્રણેય ઝોનમાં રથ પહોંચશે દક્ષિણ ગુજરાતમાં રથ આવતીકાલે વલસાડ જિલ્લામાં પહોંચશે. વલસાડથી બાઇક રેલી સાંજે 5 વાગ્યે શરૂ થશે. ગુંજન ચોકડી, વાપી ત્યાંથી સાંજે 6 વાગ્યે પટેલ સમાજ, વાપી પહોંચશે. ત્યારબાદ મહાઆરતી, મહાપ્રસાદ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લામાં પહોંચી સવારે 9 વાગ્યે ઝાલોદ મુવાડા, 11 વાગ્યે નાન સલાઈ, 12 વાગ્યે વરોડ, 1:30 વાગ્યે લીમડી, 2:30 વાગ્યે રણીયાર, 3:30 વાગ્યે લીલવા અને 4:30 વાગ્યે દુધિયા પહોંચશે. જયારે ઉત્તર ગુજરાતમાં સવારે 9 વાગ્યે બનાસકાંઠા સાસમ, 10:30 વાગ્યે પટોસણ, 12 વાગ્યે ખસા, 1 વાગ્યે સરીપડા અને ટાકરવાડા, 3 વાગ્યે સલેમપુરા અને 4 વાગ્યે ગઢ પહોંચશે.
Read Original Article →