ભાસ્કર એક્સક્લુસિવ:મોરબી જિલ્લામાં ખનીજ મહેસૂલની આવક 63.30% વધી, એક વર્ષમાં ₹52.61 કરોડની રોયલ્ટી જમા થઇ

Gujarat4/5/2026, 12:00:00 AM
ભાસ્કર એક્સક્લુસિવ:મોરબી જિલ્લામાં ખનીજ મહેસૂલની આવક 63.30% વધી, એક વર્ષમાં ₹52.61 કરોડની રોયલ્ટી જમા થઇ
મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે નાણાકીય વર્ષ 2025-26માં મહેસૂલ વસૂલાતના તમામ જૂના રેકોર્ડ તોડ્યા છે. ખાણ ખનીજ વિભાગના આંકડાઓ મુજબ, જિલ્લાની કુલ ખનીજ આવક ₹52.61 કરોડ પર પહોંચી છે, જે ગત નાણાકીય વર્ષ 2024-25માં ₹32.21 કરોડ હતી. આશરે ₹20.40 કરોડનો આ 63 ટકાથી વધુનો વધારો જિલ્લામાં ચાલી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ખાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા વહીવટી ફેરફારોનું સીધું પરિણામ છે. જિલ્લામાં વિવિધ ખનીજોના ખનન અને તેના પર વસૂલવામાં આવતી રોયલ્ટીના ડેટાનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે બાંધકામ ક્ષેત્રમાં વપરાતા ખનીજોની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો બ્લેકટ્રેપ ખનીજનો છે, જેની રોયલ્ટી ₹14.67 કરોડથી વધીને ₹25.41 કરોડ થઈ છે. તેવી જ રીતે, સેન્ડસ્ટોનની આવક પણ ₹8.30 કરોડથી વધીને ₹12.08 કરોડ નોંધાઈ છે. પર્યાવરણીય દૃષ્ટિએ એક મહત્ત્વનો બદલાવ મેન્યુફેક્ચરિંગ સેન્ડના વપરાશમાં જોવા મળ્યો છે. નદીની રેતીના વિકલ્પ તરીકે ઊભરી આવેલા આ ખનીજની આવકમાં 302.6%નો વધારો થયો છે. ગત વર્ષે આ આવક ₹1.31 કરોડ હતી જે હવે ₹5.29 કરોડ પહોંચી છે. આ ઉપરાંત સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઇના ક્લેની રોયલ્ટીમાં પણ 400%થી વધુનો વધારો જોવા મળ્યો છે, જે ₹17.63 લાખથી વધીને ₹89.69 લાખ થઈ છે. જોકે, સામાન્ય માટીની આવક ₹51.54 લાખથી ઘટીને ₹22.36 લાખ થઈ છે. મુખ્ય ખનીજોની તુલનાત્મક આવક આ રીતે ઉપયોગ થાય છે ખનિજનો ભાસ્કર એક્સપર્ટ પૂરતો સ્ટાફ મળતા એન્ફોર્સમેન્ટ વધ્યું, એક વર્ષમાં 12 નવી લીઝને મંજૂરી એટલે આવક વધી ‘માઈનિંગ કમિશનર ઓફિસ દ્વારા જિલ્લાને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. ખાસ કરીને 5 નવા કર્મચારીઓની નિમણૂક થતા કામની વહેંચણી વ્યવસ્થિત રીતે થઈ શકી છે. આ વધારાના સ્ટાફને કારણે અમે ફિલ્ડ પર એન્ફોર્સમેન્ટ (અમલીકરણ) વધારી શક્યા છીએ, જેનાથી ગેરકાયદે ખનન પર અસરકારક કાબૂ મેળવી શકાયો છે. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી એક જ વર્ષમાં 12 નવી ખનીજ લીઝ મંજૂર કરવામાં આવી છે, જે મહેસૂલ વધવાનું મુખ્ય કારણ છે.’- જે.એસ. વાઢેર, જિલ્લા ખાણ ખનીજ અધિકારી, મોરબી
Read Original Article →