મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં આગ:એક કિમી દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફાયરની પાંચ ટીમ દ્વારા કાબૂ મેળવવા પ્રયાસ

Gujarat4/4/2026, 9:08:13 AM
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં આગ:એક કિમી દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફાયરની પાંચ ટીમ દ્વારા કાબૂ મેળવવા પ્રયાસ
રાજકોટના મેટોડા GIDC ગેઈટ નંબર-1માં આવેલા એક રબરના ગોડાઉનમાં બપોરના અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. રબરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા વાદળો કાલાવડ રોડ હાઇવે પર આકાશમાં ઉંચે એક કિલોમીટર સુધી દેખાતા આસપાસના અન્ય કારખાનાના શ્રમિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ મેટોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડનું મેજર ઓપરેશન આગની ગંભીરતાને જોતા રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના ફાયર વિભાગની વધારાની 4 ટીમો પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હાલ મેટોડા અને રાજકોટ મનપાની સંયુક્ત ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે, જોકે ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ અન્ય ટીમને જાણ કરાઈ ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આજે બપોરના 1.38 વાગ્યે રાજકોટ ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમને મેટોડા GIDC ગેઇટ નંબર 1માં આવેલ EPP કંપની સામે રબરના ગોડાઉનમાં આગ લાગી હોવાની કોલ મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવી હતી. જો કે દૂર-દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ તાત્કાલિક અન્ય ટીમો પણ રવાના કરી રાજકોટથી કુલ 4 ટીમ અને મેટોડ ફાયર સ્ટેશનની ટીમ સાથે મળી સતત એક કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી છે. આગ લાગવા પાછળનું કારણ અકબંધ પ્રાથમિક માહિતી મુજબ, આ વેસ્ટ ગોડાઉન હોવાથી અહીં પડેલ માલ બાળીને ખાખ થઇ ગયો છે. લગભગ દોઢથી બે કલાક સુધી આગ પર કાબૂ મેળવતા સમય લાગી શકે તેમ છે. રાહતની વાત એ છે કે, જે સમયે આગ લાગી ત્યારે ગોડાઉનમાં હાજર તમામ શ્રમિકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, જેના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, રબરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા છે.
Read Original Article →