કોઠારીયામાં મસમોટા ખાડા, પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા:'રસ્તો બન્યો નથી', 'ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં આવ્યા નથી'; વિકાસની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો

Gujarat4/7/2026, 12:30:00 AM
કોઠારીયામાં મસમોટા ખાડા, પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા:'રસ્તો બન્યો નથી', 'ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં આવ્યા નથી'; વિકાસની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો
રાજકોટનો વોર્ડ નંબર 18 કે જ્યાં આજથી 10 વર્ષ પહેલા ભળેલા કોઠારીયા ગામનો સમાવેશ થાય છે. આ વોર્ડનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા કોઠારીયા ચોકડીના નાળામાં મસમોટા ખાડાને લીધે ગંભીર અકસ્માતો સર્જાય છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. 63,000થી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં ખરાબ રસ્તાઓ, ટ્રાફિક અને સૂચિત મકાનોના પ્રશ્નો છે. અહીંનું કોઠારીયા રેલવે સ્ટેશન ખખડધજ હાલતમાં છે. વિકાસની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિક ચંદ્રેશ દેવમુરારિએ કહ્યું, રસ્તો જ બન્યો નથી અને પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. જ્યારે સ્થાનિક હિરેન નવઘણવદરાએ જણાવ્યું કે, ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી. ગણેશ પાર્કની ત્રણ શેરીઓમાં તો રોડ જ બન્યા નથી આ ઉપરાંત આ વિસ્તારની સોસાયટીઓમાં DI પાઇપલાઇન નાખ્યા બાદ લાંબા સમયથી રસ્તાઓ ખોદેલા નજરે પડે છે. અહીંના શીતળાની ધાર પાસે રહેતા લોકોના ઘરે તો પાણીની પાઇપલાઇન જ પહોંચી નથી. જેને કારણે બારેમાસ ટેન્કર રાજ ચાલી રહ્યુ છે. જ્યારે ગણેશ પાર્કની ત્રણ શેરીઓમાં તો રોડ જ બન્યા નથી. 225 કરોડના વિકાસ કામો થયાનો પૂર્વ કોર્પોરેટરનો દાવો આ ઉપરાંત વિસ્તારની દ્રષ્ટિએ આંગણવાડીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જ્યારે વિદ્યાર્થીઓને વાંચવા માટે લાઇબ્રેરીની પણ સુવિધા નથી. આ સાથે જ અહીં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોનું ડેવલપમેન્ટ ખૂબ જ ઓછું થયું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા અહીં 225 કરોડના વિકાસ કામો થયાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે તે પહેલાની ટર્મમાં કોંગ્રેસની સત્તા વખતે કોર્પોરેટર રહી ચૂકેલાએ રૂ.175 કરોડના કામો કર્યાની વાત કરી છે. 'શીતળાની ધાર પાસેના વિસ્તારોમાં તો પાણીનું કનેક્શન જ નથી' વેપારી મનોહરસિંહ પરમારે જણાવ્યું હતું કે, હું કોઠારીયા સોલ્વેન્ટમાં પાનની દુકાન ધરાવું છું. ભાજપના એક પણ કોર્પોરેટર છેલ્લા પાંચ વર્ષમાં અહીં દેખાયા નથી. ઓછા ફોર્સથી પાણી બાબતે મહિલાઓ રજૂઆત કરવા જાય તો ત્યાં કોઈ હોતું નથી. જ્યારે શીતળાની ધાર પાસેના વિસ્તારોમાં તો પાણીનું કનેક્શન જ નથી. કાચો રોડ બનેલો છે પરંતુ પાકો રસ્તો બનતો નથી. અહીં ભાડાના મકાનમાં ચાલતું આરોગ્ય કેન્દ્ર અઠવાડિયામાં એક વખત ખુલ્લું રહે છે. અહીં સરકારી 2 શાળાની સામે પ્રાઇવેટ સ્કૂલ 8 છે. જેથી અહીં ઓછા પગારદાર લોકોને પોતાનો પગાર ફી માં જ આપી દેવાનો. 'અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલ નથી' મનોહરસિંહ પરમારે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત સરકારી સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા ભોજનના મેનુમાં ચારમાંથી બે વસ્તુ તો હોતી નથી. અહીં એક પણ સારો બગીચો નથી. અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલ નથી. જેને લીધે ક્લાસ વન ઓફિસરમાં ગુજરાતી નહીં પરંતુ હિન્દી ભાષી છે. સરકાર કહે છે ભણશે ગુજરાત, બેટી બચાવો અને બેટી પઢાઓ પરંતુ અહીં સ્કૂલ હોય તો ભણાવીએ ને. સરકાર કહે છે અમે સરદાર સરોવર બનાવ્યું પરંતુ તે બધાની જરૂર નથી એજ્યુકેશનની જરૂર છે. અહીં સારું શિક્ષણ હશે તો ભવિષ્યમાં ગુજરાતનું નામ રોશન થશે. 'મતની જરૂર પડે ત્યારે દોડી આવે, પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી' ગણેશ પાર્કમાં રહેતા ભારતીબેન ભગદેવે જણાવ્યું હતું કે, અહીં અમે 12 વર્ષથી રહીએ છીએ પરંતુ અહીંનો રસ્તો જ બન્યો નથી. ચૂંટણી આવે ત્યારે અહીં જમણવાર કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ અહીં આવતું નથી. અહીં પીવાનું પાણી 10 મિનિટ જ આવે છે અને સ્ટ્રીટ લાઇટ નથી. લાઇટ પણ વારંવાર ચાલી જાય છે. અમને અહીં રોડ બની જશે તેવી લાલચ આપી અમારા પ્રાઈવેટ બ્લોક કાઢી ગયા છે પરંતુ હજુ સુધી રસ્તો બન્યો નથી. રાજકોટ શહેરમાં તમામ જગ્યાએ રસ્તાઓ બન્યા છે પરંતુ અમારા ગણેશ પાર્કની ત્રણ શરીરમાં રસ્તો બન્યો નથી. જ્યારે અમારા મતની જરૂર પડે ત્યારે દોડી આવે છે પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી તે કઈ રીતે ચાલે. અમારા રસ્તા બનશે તો મત આપશું બાકી અમારે ચૂંટણીમાં કોઈને મત આપવાનો થતો નથી. 'રસ્તો જ બન્યો નથી, પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા' રહેવાસી ચંદ્રેશ દેવમુરારિએ જણાવ્યુ હતુ કે, અહીં ગણેશ પાર્કમાં રસ્તો જ બન્યો નથી. પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. સ્ટ્રીટ લાઇટ બંધ છે. આ બાબતે મહિલાઓ રજૂઆત કરવા ગયા હતા તો વોર્ડ ઓફિસે તાળા હતા. જે બાદ એક માસમાં રસ્તો બનાવવાનો વાયદો આપ્યો હતો પરંતુ ત્યાર પછી કોઈ આવ્યું નથી. દર વખતે રાજકીય પક્ષો મત માંગવા વખતે વાયદાઓ આપી છેતરી જાય છે પરંતુ આ વખતે જે પક્ષના ઉમેદવાર કામ કરશે તેને જ મત આપશું. 'કોર્પોરેટરને રજૂઆત કરી છતાં તેઓ પણ કંઈ કરતા નથી' જ્યારે સ્થાનિક અરજણ બોરીચાએ જણાવ્યું હતું કે, જ્યાંથી દરરોજ 20 સ્કૂલ બસ પસાર થાય છે. અહીંથી નાના બાળકો શાળાએ જાય છે અને સિનિયર સિટીઝન પણ પસાર થાય છે. જ્યાં ઊભું રહેવાની જગ્યા નથી અને બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે તે કઈ રીતે હોય શકે? જે સમસ્યાનું કંઈક નિરાકરણ લઈ આવો તો સારું. બાકી મારા જેવા બોલ્યા રાખે તો કોઈ સાંભળતું તો છે નહીં. 'મેઇન રોડ પર એક ફૂટના ખાડા' સ્થાનિક અમિતભાઈએ જણાવ્યું હતું કે, હું સુખરામનગર સોસાયટીમાં રહું છું અને એક મકાન રંગીલા પાર્કમાં આવેલું છે. વોર્ડ નંબર 18માં 50 ટકા નવો ડેવલપ થયેલો વિસ્તાર છે પરંતુ અહીં રસ્તા, પાણી, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ નથી. રંગીલા અને ભવનાથ સોસાયટીના આ મેઇન રોડ પર એક ફૂટના ખાડા છે. અંડર ગ્રાઉન્ડ લાઇન નાખવા એક વર્ષમાં ત્રણ ત્રણ વખત રસ્તા ખોદવામાં આવ્યા છે. અહીં બાજુમાં એક સ્કૂલ આવેલી છે. જ્યાં મોટા ખાડા છે. જ્યાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી સ્કૂલ વાન અને બસ નીકળી શકતી નથી. 'પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદીને જતા રહ્યા' તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતા મંજુબેને જણાવ્યું હતું કે, અહીં રસ્તા અને પાણીની સમસ્યા છે અને સ્પીડ બ્રેકર નાખવા કોઈ આવતું નથી. સફાઈ યોગ્ય રીતે થતી નથી. ફરિયાદ કરવામાં આવે ત્યારે વાળવા માટે સફાઈ કામદાર આવે છે પરંતુ તેઓ અડધી શેરી સુધી જ સફાઈ કરે છે. અહીં રસ્તા ખોદવામાં આવ્યા છે જો તે રીપેર નહીં થાય તો ચોમાસામાં અહીં પાણી ભરાશે અને ખૂબ જ તકલીફ પડશે. અહીં પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદી ગયા પરંતુ ત્યારબાદ કોઈ આવ્યા નથી. અહીં ચોમાસામાં અંદરના વિસ્તારોમાં પાણી ભરાય છે. 'કોર્પોરેટર વિસ્તારમાં કોઈ વખત આવ્યા જ નથી' શારદાબેને જણાવ્યું હતું કે, તિરુપતિ પાર્કમાં ઘરે ઘરે કચરો લેવા માટે કોઈ આવતું નથી. ટીપરવાન આવે ત્યારે તેની પાછળ દોડીને કચરો નાખવા જવું પડે છે. અહીં કોર્પોરેટર કોણ છે તેમને ખબર નથી કારણકે તેઓએ વિસ્તારમાં કોઈ વખત આવ્યા જ નથી. અહીં પીવાના પાણીનો ફોર્સ પણ ખૂબ જ ઓછો છે. 'ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી' સ્થાનિક હિરેન નવઘણવદરાએ જણાવ્યું હતું કે, તિરુપતિ બાલાજી પાર્ક શેરી નંબર ત્રણમા રહીએ છીએ. અહીં ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી. પાઇપલાઇન નાખવા માટે છ મહિના પહેલા રસ્તા ખોદી ગયા છે. જે બાદ હજુ સુધી આ રસ્તો બન્યો નથી. જોકે અગાઉ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર તરીકે નિલેશ મારું હતા ત્યારે તેઓ અમારી સમસ્યા સાંભળતા હતા. અડધી રાતે કે વહેલી સવારે ફોન કરીએ તો પણ તેઓ ફોન ઉપાડતા હતા અને તુરંત સ્થળ પર હાજર થઈ જતા હતા. કલેકટર કચેરી ખાતે અહીં સ્પીડ બ્રેકર નાખવા માટેની અરજી 9 માસ પહેલા આપવામાં આવી હતી. આમ છતાં પણ અહીં સ્પીડ બ્રેકર નાખવામાં આવ્યુ નથી. અહીં ભાજપના કોણ કોર્પોરેટર છે તે મને પણ ખબર નથી. સફાઈ કામદારો અમુક શેરીઓમાં જ વાળવા માટે આવે છે. તેઓને સરકાર દ્વારા તો પૂરો પગાર આપવામાં આવે છે અને તે પગાર અમારા ટેક્સના પૈસામાંથી જ થાય છે. આમ છતાં પણ અહીં સફાઈ થતી નથી. 'ભાજપનું શાસન છતાં અમારી પાસે લોકો ફરિયાદ લઈને આવે છે' કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ મારુંએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ભાજપના 4 કોર્પોરેટરો ભેગા મળી મિટિંગ નથી કરી શકતા. જેઓ લોકોનો વિકાસ કઈ રીતે કરી શકે? વર્ષ 2015ની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે અમે ચારેય કોર્પોરેટર દર મહિને વોર્ડ ઓફિસે લોકોના પ્રશ્નોને લઈને બેઠક કરતા. છેલ્લા 5 વર્ષમાં ભાજપના શાસનમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી. રસ્તા, ગટર અને પાણીની અનેક ફરિયાદો છે. ભાજપનું શાસન હોવા છતાં અમારી પાસે લોકો ફરિયાદ લઈને આવે છે. કોઠારીયા ગામ અને અહીંની આસોપાલવ અને ઉત્સવ પાર્ક સહિતની સોસાયટીઓ છે. જ્યાંથી હું નીકળું તો કહે છે કે અહીં કોઈ વિકાસકામો થયા નથી. અહીં કોંગ્રેસે 5 વર્ષમાં રૂ.175 કરોડના વિકાસકામો કર્યા હતા. અમારા કાર્યકાળમાં શરૂ થયેલા કામો જ હાલ પૂરા થયા છે. નવા એક પણ વિકાસકામ તેઓ લઈ આવ્યા નથી. 'ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતો થાય છે, પાણી ભરાઈ છે' વોર્ડ નં.18 કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ બાબીયાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં ભાજપના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર જ થયો છે. અહીં કોઠારીયાના નાળાનો પ્રશ્ન છે. અહીંથી દરરોજ હજારો વાહન ચાલકો અવરજવર કરે છે. અહીં ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતો થાય છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા તકલીફ પડે છે. કોઠારીયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં પડ્યું તેને દસ વર્ષથી વધુ સમય થઈ ગયો તેમ છતાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થતી નથી જે બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. 'મૂંગી ભાજપ સરકાર લોકોના પ્રશ્નો સાંભળતી નથી' રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ રવિ જીતીયાએ જણાવ્યું હતું કે, શહેરના રાજમાર્ગ ગણાતા કાલાવડ રોડ ઉપર રહેતા લોકો જેટલો ટેક્સ ભરે છે તેટલો જ ટેક્સ અહીંના લોકો પણ ભરે છે આમ છતાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અહીંની કોઠારીયા ચોકડી પાસે બબ્બે ફૂટના ખાડા છે. જે ગાડા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે. 'છ મહિનાથી રસ્તાઓ ખોદેલા છે. લોકો વિરોધ કરે ત્યારે મોરમ નાખી જતા રહે' વોર્ડ નંબર 18 ના AAPના ઉમેદવાર સુરજ બગડાએ જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છું. આ વોર્ડનો મોટાભાગનો વિસ્તાર છેલ્લા 12 વર્ષથી કોર્પોરેશનમાં ભળી ગયો છે. જોકે અહીં મહાનગરપાલિકાએ વેરો ઉઘરાવવા સિવાય કોઈ નોંધપાત્ર કામ કર્યુ નથી. અહીંની વસ્તી પ્રમાણે આંગણવાડી ખૂબ જ ઓછી છે. 10 બાય 10ની આંગણવાડીમાં 100 વિદ્યાર્થીઓ ભણવા માટે મજબુર બન્યા છે. અહીં કોર્પોરેશન દ્વારા DI પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદ છ મહિનાથી રસ્તાઓ ખોદેલા છે. લોકો વિરોધ કરે ત્યારે મોરમ નાખી જતા રહે છે. અહીં કોઈ ઈમરજન્સીની પરિસ્થિતિ સર્જાય ત્યારે કોઠારીયા ચોકડીથી ટ્રાફિક જામમાંથી અવરજવર કરવામાં ખૂબ મૂશ્કેલી પડે છે. રિદ્ધિ સિદ્ધિ પાર્ક પાસેના બ્રિજનો પણ મોટો પ્રશ્ન છે. માલધારી અને કોઠારીયા સોલ્વેન્ટ ફાટક પાસે ખૂબ જ ટ્રાફિક થાય છે. અહીં વર્ષ 2015માં કોંગ્રેસ અને 2021માં ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા ત્યારે અમે જ્યારે જન સંપર્કમાં જઈએ છીએ ત્યારે લોકો કહે છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેને જોઈ લીધા પરંતુ કોઈએ કામ કર્યા નથી જેથી AAP ને મોકો આપવા તરફ લોકો આગળ વધી રહ્યા છે. 'પાણીની પાઈપલાઈનનું કનેક્શન આપવામાં આવ્યુ નથી' આ જ વોર્ડના AAPના અન્ય ઉમેદવાર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, અહીં આહીર ચોકથી ભવનાથ સોસાયટી, રેઈન્બો સોસાયટી, શ્રદ્ધા પાર્ક, તિરૂપતિ બાલાજી પાર્ક, રણુજા મંદિરની આસપાસની સોસાયટીઓ ઉપરાંત મુખ્ય કોઠારીયા રોડ પરની સોસાયટીઓ આવેલી છે. અહીં ખરાબ રસ્તા અને ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. અહીં રામેશ્વર ગોલ્ડ સોસાયટી ત્રણ વર્ષથી નિર્માણ પામેલી છે. અહીં આજની તારીખે દરરોજ ટેન્કર મારફત પાણી વિતરણ થાય છે. અહીં દિવાના પાણીની પાઈપલાઈનનું કનેક્શન આપવામાં આવ્યુ નથી. અમે જ્યારે કોર્પોરેશનને આ બાબતે રજૂઆત કરવા ગયા તો જવાબ મળ્યો કે અમારી પાસે પાણીનો પૂરતો પુરવઠો નથી. લોકોને પીવાનું પાણી પૂરું પાડી ન શકતા હોય તો ખેડૂતોને પાણી આપવાની તો વાત ક્યાં રહી ? અમે જીતશું તો કામની રાજનીતિ કરશું. 'સ્ટ્રોમ વોટર લાઇન નાંખ્યા બાદ જ નવા રોડનું નિર્માણ થયુ' વોર્ડ નંબર 18ના ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વસ્તીની દ્રષ્ટિએ આ ખૂબ જ મોટો વોર્ડ છે. 19 કિમીનો વિસ્તાર છે. અહીં 300 જેટલી સોસાયટીઓ આવેલી છે. પાંચ વર્ષ પહેલા અહીં એક પણ રોડ સારો ન હતો. જોકે હવે અહીંનો મુખ્ય કોઠારીયા રોડ સહિતના રસ્તાઓ સારા બની ગયા છે. અમારા કાર્યકાળમાં અહીં વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર નવું બન્યુ છે. આ ઉપરાંત કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. અહીં 5 વર્ષ પહેલા જે પ્રશ્નો હતા તેમાંથી 90 ટકા પ્રશ્નો દૂર થઈ ગયા છે. સ્ટ્રોમ વોટર લાઇન નાંખ્યા બાદ જ નવા રોડનું નિર્માણ થયુ છે. 'અમે સત્તામાં આવ્યા બાદ દરરોજ પાણી વિતરણ શરૂ કરાયુ' જ્યારે કોઠારીયા ચોકડી બ્રિજ બાબતે પૂછતા જણાવ્યું કે, નેશનલ હાઈવે સાથે જોડાયેલા આ બ્રિજનો પ્રશ્ન દોઢ વર્ષથી એટલા માટે હતો કે તેની ડિઝાઇનમાં ફેરફાર થયો હતો. પહેલા બોલબાલા માર્ગવાળો પૂલ ન્હોતો. જે બાદ તે બ્રિજ આવ્યો. જોકે ખોખળદડ નદી પાસેનો સર્વિસ રોડ સિમેન્ટનો બનાવવામાં આવ્યો છે. અત્યારસુધી 90 ટકા રહેણાંક વિસ્તારમાં ડામર રોડ કરી દેવાયો છે. જોકે હવે આગામી 5 વર્ષનું અમારું વિઝન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોનું ડેવલોપમેન્ટ કરવાનું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અગાઉ અહીં બે દિવસે એક વખત જ પીવાનું પાણી આવતુ હતુ. જોકે અમે સત્તામાં આવ્યા બાદ દરરોજ પાણી વિતરણ શરૂ કરાવવામાં આવ્યું છે. 'નવી આંગણવાડીઓ બનાવવામાં આવે તો જરૂરી' જ્યારે જૂના ગણેશનગરમાં રહેતા ધર્મેશ કીહોરે જણાવ્યુ હતુ કે, ભાજપના પાંચ વર્ષના શાસનમાં રસ્તા, પાણી અને ભૂગર્ભની સમસ્યાનો નિકાલ થયો છે. કોંગ્રેસના શાસનમાં મેટલનું એક પણ ટ્રેક્ટર આવ્યુ નથી. જ્યારે ભાજપના શાસનમાં તમામ રસ્તાઓ પર ડામર પથરાઈ ગયો છે. સૌ પ્રથમ DI પાઇપલાઇન નાખવાનું વોર્ડ નંબર 18થી શરૂ થયું. અહીં કોઠારીયા ચોકડી બ્રિજનો પ્રશ્ન હતો પરંતુ તે પણ અહીંના કોર્પોરેટરો અને ધારાસભ્યની રજૂઆતથી દૂર થઈ જશે. આ ઉપરાંત અહીં નવી આંગણવાડીઓ બનાવવામાં આવે તો જરૂરી છે. 'એક લાઇબ્રેરી બનાવવામાં આવે તે જરૂરી છે' કોઠારીયા ચોકડી પાસે રહેતી યુવતી દેવાંશી મકરાણીયાએ જણાવ્યું હતું કે, હું સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. હું આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ. હું ઇચ્છું છું કે હાલ અહીં જે ભાજપના કોર્પોરેટર છે તે જ આગામી ચૂંટણીમાં જીતે અને કોર્પોરેટર બને. જ્યારે આજ વિસ્તારમાં રહેતા ગીતાબેન ડોબરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા નવા બન્યા છે અને પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. અહીં વાહન પાર્કિંગનો પ્રશ્ન છે. ખરાબાનો પ્લોટ મળે તેવી માંગ છે. 'રસ્તા અને પાણીની સમસ્યાનું નિરાકરણ થયેલુ છે' આ ઉપરાંત એડવોકેટ વિશાલ જોશીએ જણાવ્યું હતુ કે, વોર્ડ નંબર 18માં ભવનાથ પાર્કમાં રહું છું અને કોઠારીયા રોડ ઉપર જ મારી ઓફિસ આવેલી છે. અહીં છેલ્લા 25 વર્ષથી રહું છું. રસ્તા અને પાણીની સમસ્યાનું નિરાકરણ થયેલુ છે. હાલના ભાજપના ચારેય કોર્પોરેટરોએ કોઈપણ કામ હોય ત્યારે હાજર રહી તત્કાલ કામો પૂર્ણ કરાવ્યા છે. હાલ અહીં સૂચિત મકાનો ઘણા બધા છે. જેથી અહીંના કોર્પોરેટરો અને ભાજપ સરકાર તમામ સૂચિત મકાનો રેગ્યુલરાઈઝ કરાવી આપે તે જરૂરી છે. જેથી સૂચિત ન પ્રશ્ન દૂર થઈ જાય. કોઠારીયા ચોકડી પાસે ટ્રાફિક અને રસ્તાનો પ્રશ્ન છે તે આગામી સમયમાં દૂર થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.
Read Original Article →