જસદણના ડોક્ટરે આર્થિક ભીંસમાં દારૂની હેરાફેરી શરૂ કરી:ચેકપોસ્ટ પર પોલીસ ચેકીંગ જોઈ 100ની ઝડપે દેશી દારૂ ભરેલી કાર ભગાવી, બે બાઈક ચાલકને અડફેટે લેતા એકનું મોત

Gujarat4/7/2026, 2:01:13 PM
જસદણના ડોક્ટરે આર્થિક ભીંસમાં દારૂની હેરાફેરી શરૂ કરી:ચેકપોસ્ટ પર પોલીસ ચેકીંગ જોઈ 100ની ઝડપે દેશી દારૂ ભરેલી કાર ભગાવી, બે બાઈક ચાલકને અડફેટે લેતા એકનું મોત
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર પોલીસથી બચવા દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરનાર BHMSની ડિગ્રી ધરાવનારા ડો.વિપુલ હાંડા (ઉ.વ.34) નામના વ્યક્તિએ પોલીસે પીછો કરતા કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ચલાવી ટુ વ્હીલર ચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે આજીડેમ પોલીસે જસદણ તાલુકાના કોઠી ગામના ડો. વિપુલ હાંડા વિરુદ્ધ BNSની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં બેરીકેટ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન સોમવારે સવારે 11.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી કારને ઉભી રાખવાનું કહેતા પોલીસ પકડથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા સરકારી કારની મદદથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન શંકાસ્પદ કારચાલક 100થી વધુ સ્પીડે કાર હંકારી સરધાર ગામથી લોધીડા ગામ તરફ સિંગલ પટ્ટી રસ્તે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું હોવાનું સામે આવ્યું છે. આ પછી કાર ચાલકને મેડિકલ તપાસ સાથે હોસ્પિટલ લઈ જતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું અને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 20,00 ની કિંમતનો 100 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો. કાર ચાલક ડો.વિપુલ હાંડાની પ્રાથમિક પૂછપરછમાં તેની કારમાં રહેલો દેશી દારૂ તે ભાડલા ખાતે રહેતા વનરાજ રામકુભાઇ ગીડા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપીએ વર્ષ 2013-14માં રાજકોટની ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ BHMSની ડિગ્રી મેળવી હતી. શરૂઆતમાં પોતે નાનું ક્લિનિક ચલાવતો હતો પરંતુ બાદમાં પોતે લાખો રૂપિયાનું રોકાણ કરીને બોટાદના ગઢડા ખાતે હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં એમડી ડોક્ટર સહિતનાઓને તેણે રાખ્યા હતા. પરંતુ હોસ્પિટલના વ્યવસાયમાં ખોટ જતા તેની ઉપર દેણું થઈ ગયું હતું. જેના કારણે તે છેલ્લા બે ત્રણ વર્ષથી આર્થિક સંકળામણનો સામનો પણ કરી રહ્યો હતો અને તેની BHMSની પ્રેક્ટિસ પણ બંધ થઈ જતા પોતે દારૂની હેરાફેરી સાથે જોડાયો હતો.
Read Original Article →