ભાસ્કર એક્સક્લુસિવ:જાનીનો પ્રદેશ પ્રમુખને તીખો સવાલ : રૂપાલા સામે તો વિરોધ હતો છતાં ટિકિટ ન કાપી, મારી કેમ કાપી?

Gujarat4/13/2026, 12:42:23 AM
ભાસ્કર એક્સક્લુસિવ:જાનીનો પ્રદેશ પ્રમુખને તીખો સવાલ : રૂપાલા સામે તો વિરોધ હતો છતાં ટિકિટ ન કાપી, મારી કેમ કાપી?
જન સંકલ્પ યાત્રાના અન્વયે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવ્યા હતા. તેઓએ ચારેય વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. સવારે કાર્યક્રમ પૂરો થતા જ ભાજપની ટિકિટ ન મળતા જેમને અસંતોષ હતો તેવા 14ને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે બોલાવાયા હતા અને ત્યાં વિશ્વકર્માએ તેમને સાંભળ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ જે તીખા સવાલો કર્યા તેનાથી પ્રદેશ પ્રમુખ પણ આશ્ચર્યચકિત થયા હતા, સ્થાનિક આગેવાનો સમસમી ગયા હતા. શૈલેષ જાની છેલ્લે સુધી ઉમેદવાર હતા અને અચાનક જ નેહલ શુક્લને મેન્ડેટ મળ્યો હતો. આ બાબતે વિશ્વકર્મા સમક્ષ જાનીએ વ્યથા ઠાલવી હતી કે,‘મેં વર્ષો સુધી ભાજપનું કામ કર્યું છે કદી વિવાદમાં આવ્યો નથી. સાંસદ પરસોત્તમ રૂપાલા સામે તો વિરોધનો બવંડર હતો છતાં તેમની ટિકિટ પક્ષે યથાવત્ રાખી હતી. હું તો શિક્ષક છું, અત્યાર સુધીમાં 50,000ને ભણાવ્યા છે અને તમામ વિદ્યાર્થી સંપર્કમાં છે તો પછી મારી ટિકિટ કેમ કાપી નાખી?’ આ ઉપરાંત વોર્ડ નં.9-10માં સક્રિય કાર્યકર હરેશ કાનાણી તો ભાવુક થઈ ગયા હતા તેઓએ કહ્યું હતું સંગઠનમાં ઘણું કામ કર્યું છે તો પણ ટિકિટ નથી આપી તો હવે અમારે ટિકિટ માટે ક્યા નેતાના પગ પકડવા? જેમના સમર્થકોએ હલ્લો કર્યો હતો તે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ કહ્યું હતું કે, તેઓ 15 વર્ષથી સક્રિય છે જ્યારે પક્ષે 15 વર્ષથી નિષ્ક્રિય પંકજ લુણાગરિયાને ટિકિટ આપી છે. હેમુ પરમારને ટિકિટ ન મળતા તેમના ટેકેદારોએ પણ રાત્રે હલ્લો કર્યો હતો. હેમુએ કહ્યું હતું કે, ‘ઉદય કાનગડ જેવો કોઇ માણસ ન થાય તેને ખૂબ કામ કર્યું અને ધારાસભ્ય આવા જ હોવા જોઈએ. અમે પણ તેમની જેમ કામ કર્યા છે છતાં હજુ સુધી કોર્પોરેશનની ટિકિટ અપાઈ નથી.’ આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર અને દંડક રહી ચૂકેલા સુરેન્દ્રસિંહ વાળાએ પ્રદેશ પ્રમુખને કહ્યું હતું કે, ‘હું તો કોઇ કેટેગરીમાં કપાતો ન હતો આમ છતાં મને શું કામ કાપ્યો તેનું સાચું કારણ શહેર પ્રમુખ માધવભાઈ મને કહી દે એવી સૂચના આપી દો મારે બીજું કશું નથી જાણવું!’ આ બધી બાબતોમાં વિશ્વકર્માએ માથું હલાવી પોલિટિકલ જવાબ આપ્યા હતા. આ બધી વાતો વચ્ચે મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજાને ટિકિટ અપાઈ છે તેની ચર્ચા ચાલી હતી. તેમાં શૈલેષ ડાંગરે પોતાનો ફોન કાઢ્યો અને તેમાં પૃથ્વીસિંહ જાડેજા આમ આદમી પાર્ટીની સભામાં બેઠા હોય તેવા ફોટા બતાવ્યા હતા. કહ્યું હતું કે, જેમને ભાજપે ટિકિટ આપી તે તો આપને વળેલા છે! આ સાંભળતા ફરી સ્થાનિક આગેવાનો ભોઠપમાં પડ્યા હતા. આ આગેવાનો ઉપરાંત સંજય દવે, શૈલેષ હાપલિયા, કુલદીપસિંહ(વોર્ડ નં.10) ભગતભાઈ સહિતના અસંતોષીઓ આવ્યા હતા.
Read Original Article →