ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં તીવ્ર ગરમી પણ પાણીના પરબ, સિગ્નલ પર છાંયો કરવાનું તંત્ર ફરી ભૂલ્યું, હીટસ્ટ્રોકના કેસ વધવાની રાહ!
રાજકોટમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી આપી દીધી છે. જેના ભાગરૂપે તંત્રે માત્ર હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દવા અને ઓઆરએસનો જથ્થો ભેગો કરીને રાખ્યો છે. તેમના માટે આ જ વ્યવસ્થા છે પણ કોઇને હીટસ્ટ્રોક લાગે જ નહિ તેવી કોઇ વ્યવસ્થા કરાઈ નથી. હીટસ્ટ્રોકને કારણે લોકો બેભાન થાય ગંભીર બને તેવી સ્થિતિ સર્જાય નહિ તેના માટે જ હીટવેવ એક્શન પ્લાન બનાવાતા હોય છે. સમય જતા શહેરી વિસ્તારોમાં ગરમી વધુ લાગે છે ખાસ કરીને મુખ્યમાર્ગોમાં એક તરફ આકરો તડકો પડતો હોય છે અને બીજી તરફ વાહનોના ધુમાડાથી વધુ ગરમી લાગે છે. આ કારણે ભૂતકાળમાં મુખ્ય માર્ગો પર જ્યાં પણ ટ્રાફિક સિગ્નલ આવતા હોય છે ત્યાં વાહનચાલકો ખાસ કરીને ટૂ વ્હિલરચાલકો હીટસ્ટ્રોકનો શિકાર ન બને તે માટે વાહન ઊભા રાખવાના હોય ત્યાં મંડપ નાખી દેવાય છે જેથી તડકાથી બચી શકાય. આ ઉપરાંત સુરત અને અમદાવાદમાં તો મંડપના એ શેડ ઉપરાંત પાણીના સ્પ્રિંકલર નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્ય ચોકમાં પાણીના પરબ બાંધવામાં આવ્યા હતા જેથી કોઇ વ્યક્તિ ડિહાઈડ્રેશનથી બેભાન ન થઈ જાય. હાલ રાજકોટ શહેરમાં આવી કોઇ વ્યવસ્થા જોવા મળતી નથી. જે પાણીના પરબ બાંધવામાં આવ્યા હતા તે પણ ક્યાંય દેખાતા નથી. રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે ફરી સંકલન થાય અને આવી વ્યવસ્થા ઊભી થાય તેની તાતી જરૂરિયાત છે પણ જ્યાં સુધી કોઇ હીટસ્ટ્રોકની ઘટના ન બને કોઇનો જીવ જોખમાય નહિ ત્યાં સુધી આ તંત્રને કોઇ કામ યાદ આવતું નથી.
Read Original Article →