કરુણ દુર્ઘટના સર્જાઈ:રાજકોટના આજી ડેમ પાસે ખાણમાં પગ લપસતાં કારખાનેદારનું મોત
રાજકોટ નજીક આજી ડેમ વિસ્તારમાં એક અકસ્માતમાં 68 વર્ષીય કારખાનેદારનું મોત નીપજ્યું છે. ભગવાનને ચડાવેલા ફૂલ પધરાવવા ગયેલા વૃદ્ધનો પગ લપસતાં તેઓ ખાણમાં ખાબક્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, કોઠારિયા ગામમાં રહેતા અને રામનાથ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કારખાનું ધરાવતા પરસોત્તમભાઈ કાળાભાઈ કિયાડા (ઉં.વ.68) રવિવારે સવારે અંદાજે 11 વાગ્યે પોતાના કારખાને ગયા હતા. કારખાનામાં આવેલા મંદિરમાં ભગવાનને ચડાવેલા ફૂલો પધરાવવા માટે તેઓ નજીક આવેલી ખાણ તરફ ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ખાણમાં ખાબક્યા હતા. ઘટના સમયે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તરત જ દોડી જઈ તેમને બહાર કાઢ્યા હતા. ગંભીર હાલતમાં પરસોત્તમભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પરસોત્તમભાઈ દર રવિવારે નિયમિતપણે પોતાના કારખાનાના મંદિરમાં ચડાવેલા ફૂલ આ સ્થળે પધરાવવા આવતા હતા. તેમના પરિવારમાં બે દીકરા અને ત્રણ દીકરી છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →