બોજ નહીં, સહારો બનવું છે:29 કિલોના દિવ્યાંગ યુવાન પણ પરિવારને કરે છે સહાય

Gujarat4/6/2026, 12:32:26 AM
બોજ નહીં, સહારો બનવું છે:29 કિલોના દિવ્યાંગ યુવાન પણ પરિવારને કરે છે સહાય
જીવનમાં પરિસ્થિતિઓ ઘણીવાર માણસને નબળો બનાવી દે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી લે છે. રાજકોટના 35 વર્ષીય મિલનભાઈ અશોકભાઈ વ્યાસ એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. માત્ર 29 કિલો વજન ધરાવતા મિલનભાઈને સ્પાઇનની ગંભીર તકલીફ છે. જેના કારણે તેમના હાથ અને પગમાં સતત દુખાવો રહે છે અને શરીરનો વિકાસ પણ પૂરતો થયો નથી, છતાં આ શારીરિક મર્યાદાઓ તેમના મનોબળને નબળું બનાવી શકી નથી. છેલ્લા 6 વર્ષથી મિલનભાઈ અગરબત્તી વેચવાનો નાનો વ્યવસાય કરે છે. રોજ સવારે મવડી ચોકડી પાસે અને સાંજે 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે અગરબત્તી વેચતા જોવા મળે છે. તેમના પરિવારમાં કુલ 5 સભ્ય છે, જેમાં ભાઈ અને બહેન બંને મનોદિવ્યાંગ છે. પરિવારનું એકમાત્ર આવકનું સાધન તેમના પિતા અશોકભાઈ છે, જેઓની ઉંમર વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં મિલનભાઈએ પરિવાર પર બોજ બનવાને બદલે જાતે કમાઈ પરિવારને સહારો આપવાનો સંકલ્પ લીધો છે. તેમની આ લાગણી અને મહેનત એ દર્શાવે છે કે, સાચું બળ શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત ન હારતા મિલનભાઈ આજે અનેક લોકો માટે જીવંત પ્રેરણા બની રહ્યા છે.
Read Original Article →