પૂર્વ પત્ની અને સાળીના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત:હલેન્ડા પાસે ટ્રકે હડફેટે લેતા બે મહિલાના મોત, લોથડાથી ચાલીને બળધોઈ ગામે પરિવાર સાથે માનતા પુરી કરવા જતા'તા
રવિવારે વહેલી સવારે રાજકોટના હલેન્ડા ગામ પાસે આવેલી માટેલ હોટેલ નજીક પગપાળા જતા પદયાત્રીઓને પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે હડફેટે લીધા હતા. જેમાં બે મહિલા કિરણબેન શૈલેષભાઈ ધોરિયા (ઉ.વ.32) ગોંડલ અને ભાનુબેન લક્ષ્મણભાઈ ચીરોડીયા (ઉ.વ.35)ના મોત નીપજ્યા હતા. લોઠડાં રહેતા ચંપાબેનને બળધોઈ ગામે આવેલા સુરાપુરા દાદાના મંદિરે ચાલીને જવાની માનતા હતી. મોડી રાત્રે તેઓ 8 કૌટુંબિક સભ્યો લોઠડાથી ચાલીને નીકળ્યા હતા. જેમાં ચંપાબેનના સગા બહેન ગોંડલ ખાતે સુરેશ્વર મંદિર પાસે રહેતા કિરણબેન ધોરિયા પણ સાથે હતા અને મકનસરથી કૌટુંબિક સગા ભાનુબેન પણ ચાલીને પદયાત્રામાં જોડાયા હતા. રોડની સાઈડમાં ઊભા હતાને ટ્રકે અડફેટે લીધા
પરિવારના કેટલાક અન્ય સભ્યો બાઈક લઈને રસ્તામાં સાથે સાથે રહેતા હતા. રસ્તામાં કિરણબેન, ભાનુબેન અને ભાનુબેનના પતિ લક્ષ્મણભાઈને પાણીની તરસ લાગતા તેઓએ થોડીવાર વિસામો લેવા રોડની સાઈડ પર બેઠા હતા. 10થી 15 મિનિટ આરામ કર્યાં બાદ ફરી ચાલવાનું શરૂ કરવાની તૈયારી હતી. બધા રોડની સાઈડમાં ઉભા હતા. ત્યાં એક ટ્રક પૂરપાટ ઝડપે ધસી આવ્યો અને ત્યાં ઉભેલા ચાર લોકોને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજા થતા કિરણબેન અને ભાનુબેનનું મોત નીપજ્યું હતું જ્યારે કિરણબેનના પતિ શૈલેષભાઈ સહિત બે લોકોને ઈજા થઈ હતી. મૃતક કિરણબેન સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ભાનુબેનને બે દીકરી અને એક દીકરો છે. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઠારીયામાં પૂર્વ પત્ની અને સાળીના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત
શહેરમાં કોઠારીયા રોડ પર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અમિન પઠાણ (ઉ.વ.38) નામના યુવકે પોતાના ઘરે તેની પુર્વ પત્ની અને સાળીના ત્રાસથી કંટાળી વિડીયો બનાવી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસે તપાસ કરતા આત્મઘાતી પગલું ભરતા પહેલા યુવકે પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પત્ની અને સાળીના ત્રાસને કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. શનિવારે બપોરે દવા પીધા બાદ યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, તેના માતા-પિતાના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા અને ઘરકંકાસને કારણે 2013માં તેઓએ જ્યુડિશિયલ છૂટાછેડા લીધા હતા. જોકે, 2016માં સમાધાન થતાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ ત્રણ મહિના પહેલા ફરી ઝઘડો થતાં પત્ની ઘર છોડીને તેની બહેનના ઘરે જતી રહી હતી. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્નીને ભરણપોષણ નહીં ચુકવનાર પતિને 116 દિવસની જેલ
રાજકોટમાં રહેતા યાસ્મીનબેન શાહમદારએ પોતાના પતિ ફારૂકશા અયુબશા શાહમદાર વિરુધ્ધ ભરણ પોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. તેમાં કોર્ટએ અરજદારને માસીક રૂ.6000 ચુકવવા તેવો હુકમ કર્યો હતો. જે હુકમનું પાલન કરતા ન હોવાથી મહિલાએ તેમના એડવોકેટ અમીત ગડારા મારફત ચડત ભરણ પોષણની રકમ રૂ.1,25,000 મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ચડત રકમ રૂ.55000 ભરપાઇ કરી બાકીની રકમ રૂ.70 હજાર ભરેલ ન હોય અને વોરંટ બજવણી ટાળતા જેલ સજા કરવા કોર્ટને રજુઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા સામાવાળાને ચડત બાકી રકમ રૂ.70,000 ન ભરવાની કસુર બદલ 116 દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કર્યો હતો. તેમજ જેલ સજાની અમલવારી કરવા સબબ જેલ સજાનું પકડ વોરંટ એસ.પી. ઓફિસ, જામનગરને મોકલવામાં આવ્યું છે અને તાત્કાલીક પકડીને જેલમાં મોકલી આપી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. પત્ની, સાસરિયાના ત્રાસથી યુવાનનો સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ
રાજકોટના ભગવતીપરામાં યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ છે. તે ઝનાના હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર નર્સિંગ તરીકે નોકરી કરે છે. તેનાં લગ્ન ચાર મહિના પહેલા થયા હતાં. લગ્ન બાદ પત્નીને અન્ય કોઈ સાથે આડા સંબંધ હોય બે મહિનાથી તેણી રિસામણે ચાલી ગઈ હતી અને છુટાછેડાના 30 લાખની માંગણી કરી સાસુ સસરાને માનસિક ત્રાસ આપી ધમકીઓ આપતી હતી. જેનાથી કંટાળી તેણે સ્યુસાઈડ નોટ લખી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદન નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે. બેડી ચોકડી પાસે પત્નીના આડા સંબંધમાં બે યુવાનો વચ્ચે મારામારી, એકનો કાન કાપી નાંખ્યો
મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતો રીક્ષા ચાલક અનિલ વીજવાડીયા નામનો યુવાન આજે સવારે બેડી ચોકડી ટ્રાફીક પોલીસ ચોકી પાસે હતો ત્યારે દિલીપ ઉર્ફે જીગ્નેશે ધારદાર હથિયાર વડે માથાના ભાગે તથા મોંઢામાં માર માર્યો હતો. અનિલના જણાવ્યા મુજબ, આરોપી જીજ્ઞેશને તેની પત્ની સાથે આડા સંબંધ હોય જે બાબતે એક વર્ષથી તેને સંબંધ ન રાખવાનું કહેતો હોવા છતાં તે સંબંધ રાખતો હોવાથી સમજાવવા જતાં માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે ભગવતીપરામાં રહેતો ઈકો ચાલક જીજ્ઞેશ ગોહેલ પર આજે સવારે અનિલે ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં તેનો કાન કપાઈ ગયો હતો. આ મારામારીમાં બન્ને યુવાનો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Read Original Article →