PMની ઇંધણ બચતની અપીલ વચ્ચે ગુજરાતમાં ‘શાળા પ્રવેશોત્સવ’નો ધમધમાટ:18થી 20 જૂન મહાનુભાવો ગજવશે સ્ટેજ, અધવચ્ચે ભણતર છોડનારા 6.41 લાખ બાળકોને સ્કૂલે લાવવાનો સૌથી મોટો પડકાર
ગુજરાત રાજ્યમાં ઉનાળુ વેકેશન લંબાવવાની અફવાઓ વચ્ચે આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું જાહેર થઈ ચૂક્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડિઝલ બચાવવાની અપીલ વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવનો તાયફો કરવાનું નક્કી કરી લેવામાં આવ્યુ છે. આગામી 18,19 અને 20 જૂન એમ ત્રણ દિવસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. જેમાં દરરોજ રૂટ વાઈઝ મહાનુભાવો 2 માધ્યમિક શાળા અને 1 પ્રાથમિક શાળામાં જશે. આ વચ્ચે રાજ્યમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી ચૂકેલા 6.41 લાખ વિદ્યાર્થીઓને શાળાએ પરત લાવવા એ શિક્ષણ વિભાગ માટે સૌથી મોટો પડકાર બની રહેશે. ઉનાળુ વેકેશન ન લંબાયું, 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, 8 જૂનથી ગુજરાત શિક્ષણ બોર્ડની શાળાઓનું વેકેશન પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અભ્યાસ શરૂ થશે. ધોરણ 1, બાલવાટિકા તેમજ ધોરણ 9 અને 11 માં પ્રવેશોત્સવ યોજવામાં આવશે. પ્રવેશોત્સવની તારીખ 18,19 અને 20 જૂન રાખવામાં આવી છે. જેનો વિગતવાર પરિપત્ર થઈ ચૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રવેશોત્સવ દરમિયાન દરરોજ રૂટ વાઇસ 2 માધ્યમિક શાળા અને 1 પ્રાથમિક શાળામાં નવા પ્રવેશતા બાળકોને આવકારવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં ધોરણ 1 માં 1,447 તો બાલવાટિકામાં 14,454 બાળકોનો પ્રવેશ થશે. આ ઉપરાંત ધોરણ 8માં ભણતા બાળકો ધોરણ 9 માં અને ધો.10 પાસ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પ્રવેશ મેળવે તેવા અમારા પ્રયાસો છે. અધવચ્ચેથી શાળા છોડીને ગયેલા બાળકોને ફરી સ્કૂલે લાવવા પ્રયાસ
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, હાલ પ્રિ-સ્કૂલ અને પ્રિ-એનરોલમેન્ટ સર્વે ચાલુ છે. જે વિદ્યાર્થીઓ અધ વચ્ચેથી શાળા છોડી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને પણ સમજાવીને ફરી તેમને શાળાએ બોલાવી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે તેવા અમારા પ્રયત્નો છે. આ માટે શિક્ષકો દ્વારા વાલીઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી, આ વિદ્યાર્થીઓ પ્રવેશોત્સવ દરમિયાન શાળાઓમાં પોતાનો પુનઃ પ્રવેશ શરૂ કરી શકે તેવા પ્રયત્નો છે. ગુજરાતના શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે. વી. પટેલે જાહેર કરેલા પરિપત્ર મૂજબ, રાજ્યમાં વર્ષ 2024- 25માં ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા 6.41 લાખ વિદ્યાર્થીઓ એવા છે કે, જેઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. જેમાં રાજકોટમાં 32,948 વિદ્યાર્થીઓ સામેલ છે. આ તમામ બાળકોના પુનઃપ્રવેશ થાય તે માટેના આદેશ કરવામાં આવ્યા છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને અનુલક્ષીને શિક્ષણ વિભાગની સૂચનાઓ
Read Original Article →