તેલ ઓછું વાપરશે તો ફરસાણના શોખીન ગુજરાતીઓ શું કરશે?:જરૂર કરતા 5 ગણું વધારે તેલ-ઘી ખાય છે; જાણો ન્યુટ્રિશિયન-વેપારીએ શું કહ્યું

Gujarat5/13/2026, 6:58:27 AM
તેલ ઓછું વાપરશે તો ફરસાણના શોખીન ગુજરાતીઓ શું કરશે?:જરૂર કરતા 5 ગણું વધારે તેલ-ઘી ખાય છે; જાણો ન્યુટ્રિશિયન-વેપારીએ શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પરથી ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવા સલાહ આપી હતી અને આ કરવાથી દેશનું અને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે તેવું નિવેદન આપ્યું હતું. જે બાદ દિવ્ય ભાસ્કરે આ અપીલ શા માટે જરૂરી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આપણો દેશ દુનિયામાં સૌથી વધુ ખાદ્યતેલ ઈમ્પોર્ટ કરતો દેશ છે. એક રિપોર્ટ મુજબ દેશમાં 65% તેલ ઈમ્પોર્ટ થઈ રહ્યુ છે. આજે દેશમાં એક વ્યક્તિ વર્ષે 19 કિલો ખાદ્ય તેલ આરોગી રહ્યો છે જે આજથી 20-25 વર્ષ અગાઉ 9 કિલો આરોગતો હતો. બીજી તરફ જાણીયા ન્યૂટ્રિશિયનના મત મુજબ માણસના શરીરમાં રોજ વધુમાં વધુ 15 એમએલ જ તેલ-ઘી નો ઉપયોગ કરવો જોઈએ. જેની સામે ગુજરાતીઓ દિવસ દરમિયાન 70થી વધુ એમએલ તેલ આરોગી રહ્યા છે. જેના કારણે કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ જેવા રોગમાં વધારો થઇ રહ્યો છે. આમ આ બધુ જોતા PMની સલાહ માનવી ખુબ જ જરૂરી છે. 65% ખાદ્યતેલ ઈમ્પોર્ટ કરાઈ રહ્યું છે રાજકોટમાં છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી તેલના બિઝનેસ સાથે સંકળાયેલ ભાવેશભાઈ પોપટે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને હું બે રીતે જોવ છું. દેશને આર્થિક રીતે પણ ફાયદો થશે અને સ્વાસ્થ્ય પણ લોકોનું સારું રહેશે. આની પાછળના ચોક્કસ કારણો છે. આજે આપણા દેશમાં જરૂરિયાત સામે 65% ખાદ્યતેલ ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે જયારે માત્ર 35% ખાદ્યતેલ આપણા દેશમાં ઉપલબ્ધ છે. 65% જે ખાદ્યતેલ ઈમ્પોર્ટ કરવામાં આવે છે તેમાં સૌથી વધુ 48% પામોલીન તેલ, 30% સોયાબીન તેલ, 18% સનફ્લાવર તેલ અને 4% ઓલીવ ઓઇલ વગેરે ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે. વ્યક્તિ દીઠ વાર્ષિક 19 કિલો ખાદ્યતેલની જરૂરિયાત તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજે ખાદ્યતેલની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. વર્ષ 1990-95માં આપણા દેશમાં એક પણ ટકા તેલ ઈમ્પોર્ટ કરવામાં આવતું ન હતું આજે દુનિયામાં સૌથી વધુ ઈમ્પોર્ટ ખાદ્યતેલ આપણા ભારત દેશમાં થઇ રહ્યું છે. ખાસ કરીને આજે ફાસ્ટફૂડનું પ્રમાણ પણ વધી ગયું છે જેમાં પામ ઓઈલનો ઉપયોગ થઇ રહ્યો છે. ઓઇલનો વધુ પડતો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ, બીપી, સુગર જેવા કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. માટે મારુ ચોક્કસ માનવું છે કે પ્રધાનમંત્રીની અપીલને માન્ય રાખવી જોઈએ. એ અપીલ દેશહિતમાં અને આપણા સ્વાસ્થ્યના હિતમાં કરવામાં આવેલી અપીલ છે. દિવસમાં વધુમાં વધુ 10થી 15 ML જ તેલ-ઘીનો વપરાશ થવો જોઈએ આ ઉપરાંત રાજકોટના જાણીતા ન્યુટ્રિશિયન ડો. ચાર્મી દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ કરેલી અપીલ સાચી અને સારી છે. આજે છેલ્લા થોડા સમયથી લોકોમાં જાગૃતતા જરૂર આવી છે લોકો હેલ્થ માટે અવેર પણ થઇ રહ્યા છે, પરંતુ આજે હજુ પણ જોઈએ તેટલો બદલાવ જોવા નથી મળી રહ્યો. ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે પણ એ દરેક સામાન્ય માણસને પરવડે તેમ ન હોય માટે સીંગતેલનો ઉપયોગ કરવો જોઈએ એ પણ જરૂરિયાત મુજબ. વધુ પડતું તેલ આરોગવાથી લોકોના શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે તેમણેે વધુમાં જણાવ્યું હતું કે, દરેક ગુજરાતી ગાંઠિયા અને ભજીયા ખાવા માટે ટેવાયેલો છે જેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે. આજે લોકો ફાસ્ટફૂડ વધુ આરોગી રહ્યા છે જે તમામ પામ ઓઇલમાંથી બને છે અને પામ ઓઇલ આપણે વિદેશમાંથી ઈમ્પોર્ટ કરી રહ્યા છીએ. વધુ પડતા તેલનો ઉપયોગ ટાળવો ખુબ જરૂરી એટલા માટે છે કારણ કે વધુ પડતું તેલ આરોગવાથી લોકોના શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે.તદુપરાંત કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ જેવા રોગોનો શિકાર બને છે માટે પ્રધાનમંત્રીની અપીલને માન્ય રાખી ખાદ્યતેલનો ઉપયોગ ઓછો કરવો એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેલના ઓછા ઉપયોગથી દેશ અને આપણા સ્વાસ્થ્યને ફાયદો થશે ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવાથી દેશનું અને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. કારણ કે ખાદ્યતેલમાં દેશની મોટી વિદેશી મુદ્રા ખર્ચ થઇ રહી છે. આપણે જો થોડી કાળજી રાખીએ અને તેલનો ઉપયોગ ઓછો કરીએ તો દેશ અને આપણા સ્વાસ્થ્ય બન્ને ફાયદો થશે.
Read Original Article →