'તમારા હજી ટાંટિયા ભાંગી નાખવાના છે':કાર હટાવવા મામલે બે મિત્રો પર હુમલો, ઈન્સ્ટન્ટ લોન કરાવી આપવાના નામે છેતરપિંડી આચરતો શખસ ઝડપાયો

Gujarat5/19/2026, 2:58:52 PM
'તમારા હજી ટાંટિયા ભાંગી નાખવાના છે':કાર હટાવવા મામલે બે મિત્રો પર હુમલો, ઈન્સ્ટન્ટ લોન કરાવી આપવાના નામે છેતરપિંડી આચરતો શખસ ઝડપાયો
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપી મહાવિરસિંહ સોલંકી (ઉ.વ.30)ને સુરેન્દ્રનગરના થાનથી LCB ઝોન 2 દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મહાવીરસિંહ લોકોને ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને તેમના ડોક્યુમેન્ટ મેળવી લઇ બાદમાં પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી સામે અગાઉ 11 ગુના નોંધાઈ ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે આરોપી સામે અગાઉ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી, માલવિયાનગર, થોરાળા, ભક્તિનગર, દેવભૂમિ દ્વારકા અને લોધિકા પોલીસ સ્ટેશનમાં મળી છેતરપિંડીના 11 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે જયારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો હોવાથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલ હાઇવે પર કારે રીક્ષાને ઠોકરે લેતા પેસેન્જરનું મોત સલમાન ખાન (ઉં.વ.30) ગઈકાલે સવારે ગોંડલ ચોકડીથી રિક્ષામાં બેસીને શાપર જઈ રહ્યો હતો. ત્યારે ગોંડલ હાઇવે પર શિવ હોટલની સામે કારે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સલમાન ખાનને ગંભીર ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિ રીક્ષાની બહાર ઘૂંટણ રાખીને બેઠો હતો અને ઘૂંટણ સાથે જ કાર અથડાઈ હતી. જેથી તેમના પગમાં અને શરીરે ઈજા થઈ હતી. સારવાર દરમિયાન સલમાન ખાનનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડીને કાર ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. કાર હટાવવા મામલે બે મિત્રો પર હુમલો લોધીકા તાલુકાના ખાંભા ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજર તરીકે નોકરી કરતા 24 વર્ષીય ઓમ પંડ્યા તેમના મિત્ર સંજય પંડિત સાથે શેઠની સ્વિફ્ટ કાર સર્વિસ કરાવવા માટે કટારીયા શોરૂમ પર ગયા હતા. ઓમ જ્યારે કાર લઈને શોરૂમના સર્વિસ એરિયા તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી એક બલેનો કાર આવી હતી જેથી બલેનો કારના ચાલક વિક્રમભાઈને ગાડી પાછી લેવા ઈશારો કર્યો હતો. પરંતુ વિક્રમભાઈએ કાર પાછી લેવાની ના પાડી દીધી હતી અને પોતાની કાર સ્વિફ્ટ કારની સાવ નજીક લાવીને ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ શોરૂમના કર્મચારીઓએ સ્વિફ્ટ કારને સાઈડમાં લીધી હોવા છતાં વિક્રમભાઈએ પોતાની ગાડી ત્યાંથી હટાવી ન હતી અને ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. ​દરમિયાન ઓમના મિત્ર સંજય પંડિતે ત્યાં આવી વિક્રમભાઈને શાંતિથી ગાડી હટાવી લેવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિક્રમભાઈએ "ગાડી હવે નહીં હટે, મેં માણસો બોલાવ્યા છે" તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. 'તમારા હજી ટાંટિયા ભાંગી નાખવાના છે' સંજયભાઈએ તરત જ કંટ્રોલ રૂમ નંબર 112 પર ફોન કરતાં વિક્રમભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઓમને માર મારવા લાગ્યા હતા તે જ સમયે વિક્રમભાઈના સગા એક ભાઈ અને બે બહેનો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઝપાઝપી શરૂ કરી હતી. આ ઝપાઝપી દરમિયાન સંજય પંડિત નીચે પડી જતાં વિક્રમભાઈ તેમની છાતી પર બેસી ગયા હતા અને બેરહેમીથી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેના કારણે સંજયભાઈને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ગાડી અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જેથી બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ આરોપી પક્ષના એક ઇસમ અને બે મહિલાઓએ ઓમ તથા સંજય સાથે બિભત્સ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને "તમારા હજી ટાંટિયા ભાંગી નાખવાના છે અને જાનથી મારી નાખવાના છે" તેવી ગંભીર ધમકીઓ આપતાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ રમવા મામલે બાળક પર હુમલો ભાવનગર રોડ પર નવજીવન પાર્ક સોસાયટી પાસે માત્ર ક્રિકેટનો દડો આરોપીના ઘર પાસે જવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક જ પરિવારના સભ્યો સહિતના શખ્સોએ હથિયારો અને કાચની બોટલો વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર સગીરના કાકા મેરૂભાઈ ઘાંઘળે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →