પંજા કુસ્તીમાં રાજકોટનાં દિવ્યાંગનો ડંકો:ગાંધીનગર ખાતે આયોજીત નેશનલ આર્મ રેસલિંગમાં સિલ્વર મેડલ હાંસિલ કર્યો, હવે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે
શારીરિક મર્યાદાઓ ક્યારેય અડગ મનોબળ અને સખત પરિશ્રમ આડે દીવાલ બનતી નથી, તે વાત રાજકોટના એક દિવ્યાંગ રત્ને રાષ્ટ્રીય સ્તરે સાબિત કરી બતાવી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના કેરેજ એન્ડ વેગન ડેપોમાં હેલ્પર તરીકે સામાન્ય પદ પર ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રમતગમત ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. ગાંધીનગરમાં આયોજિત 5મી રાષ્ટ્રીય આર્મ એન્ડ પેરા આર્મ રેસલિંગ (પંજા કુસ્તી) ચેમ્પિયનશિપ 2026માં તેમણે દેશભરના ખેલાડીઓને પછાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય સફળતા સાથે તેમણે માત્ર રાજકોટ ડિવિઝન જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ રેલવે અને ગુજરાત રાજ્યનું ગૌરવ વૈશ્વિક ફલક પર વધાર્યું છે. હવે તેઓ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 2000થી વધુ ખેલાડીઓએ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાનાં જણાવ્યા અનુસાર આ પ્રતિષ્ઠિત અને હાઈ-પ્રોફાઈલ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું આયોજન ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં કરવામાં આવ્યું હતું. પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ મહાસ્પર્ધામાં ભારતભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 2000થી વધુ ખેલાડીઓએ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. આટલી વિશાળ સંખ્યા અને આકરા મુકાબલાઓ વચ્ચે સ્પર્ધાનું સ્તર અત્યંત કઠિન અને રોમાંચક રહ્યું હતું. તે દેશના લાખો દિવ્યાંગો અને યુવાનો માટે પ્રેરણાનો એક જીવંત સ્ત્રોત બની ગઈ
ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા દેવેન્દ્ર યાદવે 70 થી 80 કિલોગ્રામ પેરા સ્ટેન્ડિંગ શ્રેણીમાં પોતાની તાકાત, અદભુત ટેકનિક અને અજેય મનોબળનું પ્રદર્શન કર્યું હતું. શરૂઆતના રાઉન્ડથી જ વિરોધી ખેલાડીઓ પર પ્રભુત્વ જમાવીને તેઓ એકપછી એક મુકાબલા જીતતા ગયા હતા. ફાઇનલ મેચની અત્યંત રસાકસી ભરેલી ક્ષણોમાં અદભુત લડત આપીને તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. દેવેન્દ્ર યાદવની આ સફળતા માત્ર રમત પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશના લાખો દિવ્યાંગો અને યુવાનો માટે પ્રેરણાનો એક જીવંત સ્ત્રોત બની ગઈ છે કે જો હૃદયમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાના એથ્લેટ બનવા સુધીની આ સફર ખરેખર અસાધારણ
રાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ જીતવાની સાથે જ દેવેન્દ્ર યાદવે તેનાથી પણ મોટી એક વૈશ્વિક સિદ્ધિ તરફ ડગ માંડ્યા છે. આ પ્રદર્શનના આધારે તેમની સત્તાવાર પસંદગી આગામી 'વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026' માટે થઈ ચૂકી છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર તેઓ ભારતીય ટીમ વતી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે પંજો લડાવશે. રેલવેના એક સામાન્ય કર્મચારીમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના એથ્લેટ બનવા સુધીની આ સફર ખરેખર અસાધારણ છે. રેલવેની ફરજ સાથે રમતગમત ક્ષેત્રે આ મુકામ હાંસલ કર્યો
દેવેન્દ્ર યાદવની આ ઐતિહાસિક અને ગૌરવશાળી સિદ્ધિની નોંધ લેતા રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ તેમને રૂબરૂ આમંત્રિત કર્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજરે દેવેન્દ્ર યાદવને પુષ્પગુચ્છ આપી, મોં મીઠું કરાવીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની પીઠ થાબડી હતી. આ પ્રસંગે ગિરિરાજ કુમાર મીનાએ અત્યંત ગર્વ સાથે જણાવ્યું હતું કે, દેવેન્દ્ર યાદવે મેળવેલી આ સિદ્ધિ રાજકોટ ડિવિઝનના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને દેશના કરોડો યુવાનો માટે એક આદર્શ ઉદાહરણ છે. શારીરિક પડકારો હોવા છતાં તેમણે જે રીતે રેલવેની ફરજ સાથે રમતગમત ક્ષેત્રે આ મુકામ હાસલ કર્યો છે તે પ્રશંસનીય છે. રેલવે તંત્ર તેમના ભવિષ્યના તમામ વૈશ્વિક મુકાબલાઓ માટે સંપૂર્ણ સહયોગ આપશે. જાહેરાત બાદ રાજકોટ રેલવે સ્ટેશન, ડેપો અને કચેરીઓમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટાફના મિત્રો, યુનિયનના પ્રતિનિધિઓ અને રમતગમતના પ્રશંસકો દેવેન્દ્ર યાદવને સતત વધામણી આપી રહ્યા છે. તેમજ આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરે એવી મંગલ કામનાઓ સમગ્ર રેલવે પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →