આરોપી વિરુધ્ધ અગાઉ 15 ગુના નોંધાઈ ચુક્યા છે:બકરી ઇદ પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત લાઈવ કરી ધાર્મિક લાગણી દુભાવનાર કુખ્યાત ‘દિકુડો’ વલસાડથી પકડાયો
રાજકોટમાં બકરી ઈદના બે દિવસ પહેલા કુખ્યાત દિકુડો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઇ મુસ્લિમ ધર્મ વિશે બેફામ વાણીવિલાસ કરી અભદ્ર ટિપ્પણી કરતો હોવાનું સામે આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી જેથી માલવિયાનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી પ્રીતેશ ઉર્ફે દીકુડો અલ્પેશભાઇ ગોટેચાને વલસાડના પારડી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ્ધ અગાઉ 15 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે અને બે વખત પાસા હેઠળ ધકેલાઈ ચુક્યો છે. માલવિયાનગર પોલીસ બાદ હવે ભક્તિનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રિતેશ ઉર્ફે દિકુડા વિરુધ્ધ ભક્તિનગરમાં નોંધાઈ હતી ફરિયાદ રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ રહેતા પ્રીતેશ ઉર્ફે દીકુડો અલ્પેશભાઇ ગોટેચાએ બકરી ઇદ તહેવારના બે દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. 'Risky_Dikudo_307' પર લાઇવ કરી મુસ્લીમ ધર્મ વિશે અત્યંત અપમાનજનક અને અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. આ વિડીયોમાં જુદી જુદી કોમ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તેમજ જાહેર સુમેળ બગાડી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી પ્રીતેશ ઉર્ફે દીકુડો અલ્પેશભાઇ ગોટેચા માલવીયાનગર પોલીસ સ્ટેશનના અન્ય બે ગંભીર ગુનાઓમાં પણ નાસતો-ફરતો હતો જેથી માલવીયાનગર ટિમ પણ તેને પકડવા માટે પ્રયત્નસીલ હતી દરમિયાન માલવીયાનગર પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં આરોપીને વલસાડના પારડી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી પ્રીતેશ ઉર્ફે દિકુડો રીઢો ગુનેગાર છે અને તે ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશન સહિત જામનગરના કાલાવડ પોલીસ મથકમાં હત્યાની કોશિશ, અપહરણ, મારામારી, ચોરી, ધમકી અને જાહેરનામા ભંગ જેવા કુલ 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની અસામાજિક અને માથાભારે પ્રવૃત્તિઓને કારણે વર્ષ 2023માં તેની સામે રાજકોટ શહેરના 'એ' ડિવિઝન અને માલવીયાનગર પોલીસ સ્ટેશન હેઠળ બે વખત પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે.
Read Original Article →