જનતાને રાજકોટ કોંગ્રેસનું 11 મુદ્દાનું કમિટમેન્ટ્સ:મનપામાં નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ પેકેજ, દસ્તાવેજ હોય તો મકાન વેરામાં 50 ટકા રાહતનું વચન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે.છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ. જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ,રસ્તા,આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા,જેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જનતાને વોર્ડ દીઠ 'જનમંચ'નું પ્લેટફોર્મ આપ્યું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી મળેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.આ મેનિફેસ્ટો એટલે સત્ય,સમાનતા,વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે.કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે.આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગર રચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. રાજકોટ શહેર માટે કોંગ્રેસના મુખ્ય કમિટમેન્ટ્સ (1) નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ માધાપર, મણહરપુર-1, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા જેવા નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજનું આયોજન કરીશું. (2) ઘરવેરો અને આવાસ 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરીશું અને દસ્તાવેજ ધરાવતા રહેણાંક મકાનો માટે વેરામાં 50 % સુધી રાહત આપીશું. 'પહેલા રિહેબિલીટેશન, પછી જ ડિમોલિશન'ના સિદ્ધાંતને અનુસરી વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન નહીં કરીએ. (3) પાણી વ્યવસ્થાપન 15 મિનિટના પાણી વિતરણને વધારી 45 મિનિટ કરીશું. ગટર અને પીવાની લાઈનો અલગ કરી ગંદા પાણીથી મુક્તિ અપાવીશું તથા "વોટર ટાસ્ક ફોર્સ" બનાવી રાજકોટને પૂરતું પાણી આપીશું. (4) ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરીશું.પાર્કિંગની જગ્યાઓ દબાણમુક્ત કરી ફૂટપાથોને ફરી ચાલવાલાયક બનાવીશું. (5) સિટી બસ સેવા બસ સેવાને સોસાયટીઓ અને નવા વિસ્તારો સુધી પહોંચાડીશું. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપીશું. (6) શિક્ષણ દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળા શરૂ કરી તેનું CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર અને શિક્ષણ માટે WiFi ઝોન ઊભા કરીશું. (7) રમતગમત ઝોન પ્રમાણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવી ફ્રી પ્રોફેશનલ કોચિંગ આપીશું.દરેક ગાર્ડનમાં નાના બાળકો માટે "ટોડલર ઝોન" હેઠળ વિશેષ સુવિધાઓ ઊભી કરીશું. (8) રિઝર્વ પ્લોટ SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સને તે જ વર્ગના હિત માટે ઉપયોગમાં લઈશું. (9) મહિલા વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ, લાઈબ્રેરી મેમ્બરશિપ અને સુરક્ષિત પિન્ક ટોઈલેટ બનાવીશું. કોર્પોરેશનની ભરતીમાં મહિલાઓને 50% પ્રાધાન્ય આપીશું. (10) આરોગ્ય સેવાઓ દરેક વોર્ડ દીઠ 24/7 આરોગ્ય કેન્દ્રો અને નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશું.સિનિયર સિટિઝનને વાર્ષિક ફૂલ બોડી ચેક-અપ અને ફ્રી દવાઓ આપીશું. (11) પર્યાવરણ અને AQI શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા (AQI) સુધારી પ્રદૂષણનું સ્તર ઘટાડીશું. 'આ મેનિફેસ્ટો માત્ર વચન પત્ર નથી'
આ ઉપરાંત શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી-ગલ્લા ધારકોને વ્યાપારિક દરજ્જો, ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ અને પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના. ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. અમારો આ મેનિફેસ્ટો માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ.
Read Original Article →