ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સિવિલના રેસિડેન્ટ તબીબે રૂ.500 માં ડમીને આપી ડ્યૂટી, દર્દીઓને વિદ્યાર્થી આપતો હતો ઈન્જેક્શન!
પરીક્ષા આપવામાં ઘણા ઠોઠ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરવા માટે ડમી વિદ્યાર્થી બેસાડતા હોય છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબે આરામ કરવા માટે પોતાની જગ્યાએ ડમી વ્યક્તિને ડોક્ટર તરીકે વોર્ડમાં સારવાર કરવા માટે રાખે છે. આ માટે રેસિડેન્ટ તબીબો ડમીને દિવસની હાજરીના 500 રૂપિયા અને રાત્રે ડ્યૂટી કરવાના પ્રતિ દિવસના 1000 રૂપિયા આપતા હોવાનો દિવ્ય ભાસ્કરની તપાસમાં પર્દાફાશ થયો છે. મેડિસિન વિભાગના રેસિડેન્ટ તબીબ આર્યન પટેલ કે જે એમડીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમણે અભ્યાસની સાથે ડ્યૂટી પણ કરવાની હોય છે. આ ડ્યૂટીમાં તેમણે પોતાની જગ્યાએ 500 રૂપિયા પ્રતિ દિવસના લેખે વિશાલ જોશી નામની વ્યક્તિને ડમી તરીકે રાખ્યો છે. ડો.પટેલની ડ્યૂટી હોય ત્યારે વિશાલ તેમની બદલે વોર્ડમાં આવે અને દર્દીઓને ઈન્જેક્શન આપે તેમજ બાટલા પણ ચડાવે છે. વિશાલ જોશી કોઇ ડોક્ટર કે નર્સિંગનો સ્ટુડન્ટ પણ નથી તે હોમિયોપેથી કોલેજમાં બીજા વર્ષમાં ભણે છે. હોમિયોપેથીમાં ઈન્જેક્શન કે બાટલા ચડાવવાની મંજૂરી જ નથી હોતી પણ રેસિડેન્ટ તબીબો પૈસા આપે અને વિદ્યાર્થીઓ કામ કરે છે. રવિવારે સવારના સમયે ઈમર્જન્સી વોર્ડમાં વિશાલ એક દર્દીને ઈન્જેક્શન મારતો હતો ત્યારે જ રંગે હાથ પકડાયો હતો અને ક્યા અભ્યાસ કરે છે તે પૂછવા જતા જ નાસી ગયો હતો. દરેક તબીબ માટે એપ્રન અને નેમ પ્લેટ ફરજિયાત, રાજકોટ સિવિલમાં પાલન જ નહિ!
સરકારી હોસ્પિટલમાં નિયમ છે કે રેસિડેન્ટ હોય, મેડિકલ ઓફિસર હોય તેઓએ ડ્યૂટી દરમિયાન એપ્રન પહેરવાનું હોય છે અને તેમાં નેમ પ્લેટ રાખીને પોતાનું નામ અને હોદ્દો લખવાનો હોય છે. જેથી દર્દી અને સ્ટાફને ખબર પડે કે કોણ સારવાર કરીને ગયું. રાજકોટ સિવિલમા આ નિયમનું પાલન જ નથી કરાવાતું જેથી આ રીતે ડમી તબીબો બેસાડી દેવાય અને કોઇપણ વ્યક્તિ આવીને સારવાર કરી જતા રહે. સિવિલમાં ઉંચા મૃત્યુદરનું આ છે કારણ
સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે તેની પાછળ આવા જ કારણો છે. સિનિયર તબીબો તેમના જુનિયર પર દબાણ નાખી કામ કરાવતા હોય છે અને રેસિડેન્ટ આવી રીતે ડમીને બેસાડી દેતા હોય છે. ડમીને ફક્ત એટલી જ સૂચના હોય છે કે, દર્દી શાંત રહે તેવા ઈન્જેક્શન આપવા અને નબળાઈ ન આવે એટલે બાટલા ચડાવવા. કોઇ દર્દી ગંભીર બને તો હાજર કોઇ હોતું નથી અને આવે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. નર્સિંગ સ્ટાફને બધી જ ખબર પણ બોલતા નથી
કોઇપણ વોર્ડમાં ડ્યૂટી મુજબ પાંચ કે છ રેસિડેન્ટ આવતા હોય છે એટલે નર્સિંગ સ્ટાફ બધાને ઓળખતા જ હોય છે. અજાણ્યો વ્યક્તિ ઘૂસીને સારવાર કરે તેવું બને જ નહીં. પણ, આ સ્ટાફ પણ કામચોર હોય છે અને પોતે બાટલા ચડાવવા ન પડે, ઈન્જેક્શન આપવા ન પડે કોઇ દર્દીને સમસ્યા હોય તો જવું ન પડે અને તેમના બદલે ડમી જતા રહે તે માટે ચૂપ રહે છે.
Read Original Article →