ભાસ્કર એક્સક્લુસિવ‎:44 વર્ષમાં છ વખત વેચાયા બાદ સિટી સરવેએ રદ કરેલી નોંધનો નિર્ણય જ રદ, કેસ રિમાન્ડ કરતા પ્રાંત

Gujarat5/13/2026, 12:00:00 AM
સિટી સરવે ઓફિસમાં દસ્તાવેજોની નોંધણી અને પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના મામલે અરજદારો અનેક વખત ધક્કા ખાય છે. કેટલાયની ફાઈલો અટકી જાય છે પણ કારણ વગર પાંચ પાંચ દસ્તાવેજ બાદ છઠ્ઠી વખત વેચાયેલી મિલકતમાં સિટી સરવે ઓફિસર-3એ વાંધો કાઢ્યો હતો. જેને પ્રાંત અધિકારીએ રદ કરી પ્રોપર્ટી કાર્ડ માટેનો કેસ રિમાન્ડ કર્યો છે. કોઠારિયા રોડ પર રહેતા રમેશભાઈ ચાવડાએ 80 ફૂટ રોડ પર મારુતિનગરમાં મકાન ખરીદ્યું હતું. આ મિલકત રેવન્યુ સરવે નંબર 248 પૈકી, ટી.પી. સ્કીમ નંબર 6, એફ.પી. નંબર 148, સિટી સરવે વોર્ડ નંબર 11/2, સિટી સરવે નંબર 2529 પર આવેલી છે. આ મકાનના દસ્તાવેજ બાદ તેઓ એન્ટ્રી માટે સિટી સરવે ઓફિસ ગયા હતા. જ્યાં તેઓએ અરજી પ્રક્રિયા પૂરી કરી હતી. મામલો સિટી સરવે ઓફિસર-3 પાસે પહોંચ્યો હતો. તેમણે આધાર પુરાવા જોયા બાદ એવું કહ્યું હતું કે, આ મિલકત 1981માં સગીરના નામે હતી. જેને સગીરના પિતાએ કોર્ટની મંજૂરી લીધા વગર વેચી નાખી છે. આમ કહીને તેમણે 1981 બાદ પાંચ વખત વેચાયેલી આ મિલકતની નોંધ રદ કરી નાખી હતી. પાંચ પાંચ વખત મિલકત વેચાઈ હતી અને છેલ્લી વખત બેંકમાં જપ્ત થઈ હતી અને તેની પાસેથી રમેશભાઈએ ખરીદ કરી હતી. આમ છતાં અચાનક જ વેચાણ નોંધ કરી નાખતા તેઓએ પ્રાંત અધિકારી સમક્ષ નોંધ સામે અપીલ કરી હતી. વકીલ વી.પી. ગોડાએ ધારદાર દલીલ કરી હતી કે મિલકત પાંચ પાંચ વખત વેચાઈ અને છઠ્ઠો દસ્તાવેજ છે. ત્યારબાદ હવે છેક મંજૂરી નથી મળી તેમ કહીને નોંધ રદ કરી દેવાઈ છે. જે સગીરની મિલકત હતી તે સગીરે કોઈ વાંધો ઉઠાવ્યો નથી પણ સિટી સરવે ઓફિસરે પોતે નક્કી કરી લીધું છે. આ મામલે હિયરિંગ કર્યા બાદ પ્રાંત અધિકારી શહેર-1 નાયબ કલેક્ટર ડો. સી.એમ. પરમારે સિટી સરવે ઓફિસરે નોંધ રદ કરવાનો નિર્ણય રદ કરીને ફેરનિર્ણય કરવા કેસ રિમાન્ડ કર્યો છે. આ કેસ સાબિત કરે છે કે, કોઈ વાંધો ઉઠાવનાર હતું નહીં છતાં કોઈ હિત ન હોવા છતાં સિટી સરવે ઓફિસર પોતે જ જાણે પાર્ટી હોય તેમ 44 વર્ષ પહેલાનો મુદ્દો ઉખેળીને દસ્તાવેજની નોંધ રદ કરી નાખી હતી. જેને લપડાક મળી છે. પ્રાંત અધિકારીએ ચુકાદામાં આ મહત્ત્વની નોંધ કરી 1 કુદરતી વાલી (પિતા) દ્વારા કોર્ટની પૂર્વ પરવાનગી વિના સગીરની મિલકતનું વેચાણ કરવામાં આવે તો તે સગીરના કહેવાથી રદબાતલ થઈ શકે છે, પરંતુ તે વ્યવહાર શરૂઆતથી જ રદબાતલ ગણાતો નથી. 2 મુદત અધિનિયમ-1963ની કલમ-60(ક) મુજબ, સગીરે પુખ્ત વયના થયાના 3 વર્ષની અંદર સિવિલ દાવો દાખલ કરવો જરૂરી છે. 3 મહેસૂલી સત્તાધિકારીઓ ટાઇટલ નક્કી કરી શકતા નથી અથવા વર્ષો જૂના દાવાઓને ફરીથી જીવંત કરી શકતા નથી. 4 સિટી સરવે અધિકારીએ 1981ના વ્યવહારમાં કોર્ટની મંજૂરી ન હોવાના એકમાત્ર કારણસર નોંધો નામંજૂર કરી હતી, જે બાબત કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી કારણ કે તે વ્યવહાર હવે કાયમી અને બંધનકર્તા બની ગયો છે. તોડનું કારસ્તાન કે અજ્ઞાનતા : સિટી સરવે ઓફિસર-3 સીધા જ પાર્ટી બની ગયા! રાજકોટ | સરકારી ઓફિસમાં કાગળ પર જ કામ થતું હોય છે ખાસ કરીને સિટી સરવે ઓફિસ હોય તો ત્યાં દસ્તાવેજ હોય એટલે તેના આધારે કામ કરવાનું હોય છે. જોકે ઘણી ઓફિસમાં અરજદારોની અરજીઓ અને નોંધ અટકાવી રાખવામાં આવે છે અથવા તો બિનજરૂરી વાંધા બતાવી કામ ટલ્લે ચડાવી દેવાય છે. આ મામલે બે જ કારણ હોય છે એક તો જે તે અધિકારીને તેમાં તોડ કરવો હોય છે, લાંચ લેવી હોય છે. અથવા તો તે અધિકારી ભણી ગણીને નહીં પણ ચોરી કરીને કે પછી લાંચ આપીને નોકરીએ આવ્યા હોય તેમ કોઈ નીતિ-નિયમની ખબર ન હોય અને અજ્ઞાન હોય છે. જો અજ્ઞાનતા હોય તો પછી તેમને આવા સંવેદનશીલ પદને બદલે બિનસંવેદનશીલ એટલે કે સાદી ભાષામાં સાઈડ પોસ્ટ પર જ રાખવા જોઈએ અને તેમને અભ્યાસ કરવાનો નિયમ શીખવાની ફરજ પાડવાની હોય છે. પણ, જે મોટાભાગે બને છે તેમ તોડ કરવાનો ઈરાદો હોય તો તપાસ બેસાડીને રાજ્યસેવાના નિયમો મુજબ કાર્યવાહી થવી જોઈએ. તપાસનો મુખ્ય મુદ્દો એ જ છે કે અધિકાર ન હોવા છતાં શા માટે સિટી સરવે ઓફિસર પોતે પાર્ટી હોય તેમ વર્તી રહ્યા છે.
Read Original Article →