આયોજન:શેરી ફેરિયા લોનની પેન્ડિંગ અરજી માટે ગાંધી મ્યુઝિયમ ખાતે આજે કેમ્પ
ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલયે પીએમ સ્વનિધિ યોજના માર્ચ-2030 સુધી લાગુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે “શહેરી વિકાસ વર્ષ-2025”ની ઉજવણીમાં ભારત સરકારે શેરી ફેરિયાઓ માટે આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરિટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છૂટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજૂરી માટે પેન્ડિંગ છે તેમના નિકાલ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ, આધાર નંબર સાથે લિંક હોય તે ઉપરાંત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક, આઈ.ડી., ઓરિજિનલ અને ઝેરોક્સ નકલ સાથે તા.13ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ગાર્ડન પાસે રાજકોટ ખાતે સવારે 10થી સાંજે 5 કલાક સુધી આ યોજનામાં પેન્ડિંગ રહેલી અરજીઓ મંજુર થાય તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકના અધિકારી પણ સ્થળ ખાતે હાજર રહેશે. તેમજ નવી અરજી કરવા ઈચ્છતા લાભાર્થીઓ માટે સ્થળ પર જ નવી એપ્લિકેશન કરવામાં આવશે. આ યોજનાનો લાભ મહત્તમ ફેરિયાઓને મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભથી વંચિત રહેલા ફેરિયાઓને લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →