અપરા એકાદશી:વિધિવત વ્રત કરવાથી પિતૃ પ્રેતગતિમાં હોય તેમને મોક્ષ મળે
પંચાંગ પ્રમાણે આજે વૈશાખ વદ અગિયારસને બુધવારે તા.13 મેના દિવસે અપરા એકાદશી છે. બુધવારે આવતી કોઈપણ એકાદશીને શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મા ભદ્રકાલી પ્રાગટ્ય થયું હોવાથી આ એકાદશીને મા ભદ્રકાલી એકાદશી પણ કહેવામાં આવે છે. અપરા એકાદશીનું વિધિવત વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતિમાં હોય તેમને મોક્ષ મળે છે. એકાદશીના દિવસની વિધિ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, સવારે વહેલા ઊઠી નહાવાના જળમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું. નિત્ય પૂજા કરી અને બાજોઠ ઉપર પીળું વસ્ત્ર પાથરી તેનાં ઉપર વિષ્ણુ ભગવાનની છબી પધરાવવી બાજુમાં ઘીનો દીવો કરવો, પાણી ભરેલો ત્રાંબાનો લોટા અથવા કળશમાં અબીલ, ગુલાલ, કંકુ પધરાવી આસોપાલવનાં પાંચ પાન પધરાવવા, સોપારી, રૂપિયો પધરાવવો અને તેની ઉપર આડું શ્રીફળ રાખવું. આ કળશ ભગવાનની છબીની આગળ પધરાવવો. વિષ્ણુ ભગવાનને નૈવેદ્યમાં મીઠાઈ ધરાવવી અથવા કાકડી ધરાવવાનું ખાસ મહત્ત્વ છે. વિષ્ણુ સહસ્ત્રનામના નામ બોલવા અને ઈષ્ટદેવની માળા કરવી. પિતૃને પ્રાર્થના કરવી અને એકાદશીની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી. બીજા દિવસે સવારે વહેલા ઊઠી અને નિત્યકર્મ કરી સૌ પ્રથમ સ્થાપના પાસે બેસી અને જમણા હાથમાં જળ લઈ અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી કે આ વ્રતનું ફળ હું મારા પિતૃઓને અર્પણ કરું છું. જો કોઈ મારા પિતૃ પ્રેતગતિમાં હોય તો તેને મોક્ષગતિની પ્રાપ્તિ થાય. જન્મ કુંડળીમા કે જીવનમાં પિતૃદોષ, પ્રેતદોષ હોય તો વિધિવત વ્રત કરવાથી રાહત મળે
ખાસ કરીને જે લોકોને જન્મ કુંડળીમાં અથવા તો જીવનમાં પિતૃદોષ, પ્રેતદોષ હોય તો અપરા એકાદશીનું વિધિવત વ્રત કરવાથી રાહત મળે છે તે ઉપરાંત જે કોઈ વ્યક્તિને કોર્ટ કેસ ચાલતો હોય અને વ્યક્તિ સાચી હોય તો આજના દિવસે ઉપવાસ કરી અને વ્રત રહેવાથી કોર્ટ કેસમાં વિજય મળવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને આ દિવસે ફળ ખાય અને ઉપવાસ રહેવો જોઈએ. હંમેશા બીજાની સારા કાર્યમાં મદદ કરવી
અપરા એકાદશીનો બોધ : જીવનમાં સારા વ્યક્તિની મદદ કરવાથી તેનું ભલું તો થાય છે સાથે તેમનાં અંતરાત્માના આશીર્વાદથી મદદ કરનારની પ્રગતિ અને ભાગ્યોદય થાય જ છે.આથી હંમેશા બીજાના સારા કાર્યમાં મદદ કરવી.
Read Original Article →