ભાસ્કર ઇમ્પેક્ટ:પરીક્ષા કામગીરીના બહિષ્કારનો અંત, નાણાં આજથી જમા થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અધ્યાપકો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતા પેમેન્ટના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. અધ્યાપકોના બાકી નીકળતા પરીક્ષા એસેસમેન્ટના બિલો મુદ્દે વાઈસ ચાન્સેલર (VC) સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં યુનિવર્સિટી વહીવટી તંત્રએ નમતું જોખ્યું છે. આગામી તા.13 એપ્રિલ, સોમવારથી અધ્યાપકોના બેંક ખાતામાં નાણાં જમા થવાની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી મળતા અધ્યાપક મંડળે હડતાળ સમેટી લીધી છે. તા.11 એપ્રિલના રોજ વાઈસ ચાન્સેલરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ.કિરપાલસિંહ પરમાર, મહામંત્રી ડૉ. નારણભાઈ ડોડિયા અને શૈક્ષિક સંઘના હોદ્દેદારો સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અધ્યાપકોના પડતર પ્રશ્નો અને ખાસ કરીને એસેસમેન્ટના બિલોની ચૂકવણી અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. VC એ હૈયાધારણા આપી છે કે સોમવારથી પેમેન્ટ શરૂ થઈ જશે. અધ્યાપક મંડળે જણાવ્યું હતું કે, તમામ અધ્યાપકોએ બતાવેલી એકતાને કારણે આ સફળતા મળી છે. નાણાંની ખાતરી મળતા જ મંડળે તમામ અધ્યાપક મિત્રોને વિનંતી કરી છે કે, સોમવારથી યુનિવર્સિટીના પેપર સેટિંગ, એસેસમેન્ટ, સ્ક્વોડ અને ઓબ્ઝર્વર જેવી તમામ ફરજોમાં ફરી જોડાઈ જવું. છેલ્લા ત્રણ વર્ષનું પેપર ચેકિંગના બાકી નાણા પ્રોફેસરોને ન ચૂકવતા પરીક્ષા સંબંધિત કામગીરીનો એક હજારથી વધુ અધ્યાપકોએ બહિષ્કાર કર્યો હતો. વીસી સાથેની બેઠકમાં સુખદ સમાધાન થયું હતું.
Read Original Article →