ઉનાળામાં ગૌસેવાનો અનોખો પ્રયોગ:શ્રીજી ગૌશાળામાં 15 વર્ષથી ગાયોને વરિયાળી, ગોળનું શરબત પીવડાવાય છે

Gujarat4/13/2026, 12:36:46 AM
ઉનાળામાં ગૌસેવાનો અનોખો પ્રયોગ:શ્રીજી ગૌશાળામાં 15 વર્ષથી ગાયોને વરિયાળી, ગોળનું શરબત પીવડાવાય છે
રાજકોટ જામનગર હાઈવે પર આવેલી શ્રીજી ગૌશાળામાં ઉનાળાની કડક ગરમી સામે ગાયોની સંભાળ માટે અનોખી સેવા પરંપરા જળવાઈ રહી છે. છેલ્લા 15 વર્ષથી ગૌશાળાના સેવકો દ્વારા દર રવિવારે ગાયોને વરિયાળી અને ગોળનું શરબત પીવડાવી તેમને લૂથી બચાવવા તેમજ પાચનક્રિયા મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવે છે. શ્રીજી ગૌશાળા માનવતા અને સેવા ભાવનાનું જીવંત કેન્દ્ર બની છે. અહીં આશ્રય પામેલી 2086 જેટલી ગાયને ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવવા ગૌશાળાના સેવકો વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. ગાયોને ઠંડક અને તાજગી મળે તે માટે દર વર્ષે ઉનાળામાં ખાસ કરીને વરિયાળી અને ગોળનું શરબત પીવડાવવામાં આવે છે. આ સેવા માત્ર એક પ્રવૃત્તિ નહીં, પરંતુ ગૌસેવા પ્રત્યેની ઊંડી લાગણીનું પ્રતિબિંબ છે. ગૌશાળાના સેવકો પોતપોતાની રીતે જવાબદારીઓ વહેંચી લે છે, કોઈ ગોળ પલાળે છે, તો કોઈ વરિયાળીનો ભૂક્કો તૈયાર કરે છે. સહકાર અને સમર્પણથી તૈયાર થતું આ શરબત ગાયોને ગરમીમાં રાહત આપીને તેમના સ્વાસ્થ્યને સંભાળ રખાય છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સાથે જ રવિવારથી આ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર રવિવારે સવારે 7થી 10 વાગ્યા સુધી ગાયોને શરબત પીવડાવવામાં આવે છે. એક જ દિવસે આશરે 500 કિલો ગોળ અને 16 કિલો વરિયાળીનો ઉપયોગ કરી વિશાળ પ્રમાણમાં શરબત તૈયાર કરવામાં આવે છે, જે ગાયોની પાચનક્રિયા સુધારવામાં અને તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. આ અનોખી પહેલના પ્રણેતા પ્રભુદાસ કાંતિલાલ તન્ના, જેને દાસભાઈ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષો પહેલાં ગાયોની તબિયત પર ઉનાળાની ગરમીના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ વિચાર અમલમાં મૂક્યો હતો. તેમના મત મુજબ, વધારે ગરમીના કારણે ગાયોની પાચનશક્તિ નબળી પડે છે, જેના કારણે અનેક આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. આથી સરળ અને અસરકારક ઉપાય તરીકે તેમણે આ સેવા શરૂ કરી હતી. આજેય તેમની પ્રેરણાથી ગૌશાળાના સેવકો એ જ ઉત્સાહ અને સમર્પણ સાથે આ સેવા કાર્ય આગળ વધારી રહ્યા છે. સેવા, સંવેદના અને સંસ્કારનું આ સુંદર સંકલન અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્રોત બની રહ્યું છે.
Read Original Article →