પુનીતનગરમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં યુવકનું મોત:કપડાંને ઈસ્ત્રી કરતી વખતે વીજકરંટ લાગતા પ્રૌઢનું મોત, મિત્રને ઉછીના આપેલા 3 લાખ ન આપતાં ખેડૂતે ઝેરી દવા પીધી
આણંદપર બાધી ગામે રહેતા નંદલાલભાઈ દુર્લભજીભાઇ દેગડા (ઉં.વ.50) સાંજના સમયે પોતાના ઘરમાં કપડાને ઈસ્ત્રી કરી રહ્યા હતાં. આ દરમિયાન ઇસ્ત્રીનો ચાલુ વાયર અગમ્ય કારણોસર તેમની છાતીના ભાગે અડી ગયો હતો. વાયર અડવાની સાથે જ તેમાંથી તીવ્ર પ્રમાણમાં જોરદાર વીજ પ્રવાહ પસાર થતાં નંદલાલભાઈ કંઈ સમજે તે પહેલાં જ તેમને જોરદાર આંચકો લાગ્યો હતો અને તેઓ તત્કાલ બેભાન થઇ જમીન પર ઢળી પડ્યા હતાં. 108ના EMTએ તપાસ કરી નંદલાલભાઈને મૃત જાહેર કર્યા હતા જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત અંગે કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક નંદલાલભાઈ અપરિણીત હતા તેઓ પોતાના ઘરે જ બેઠા-બેઠા દરજી કામ તેમજ કપડાંને ઇસ્ત્રી કરવાનું કામકાજ કરીને સાદગીપૂર્વક પોતાનું ગુજરાન ચલાવતા હતા. પુનીતનગરમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં યુવકનું મૃત્યુ
રાજકોટ શહેરમાં પુનીતનગરમાં રહેતાં 38 વર્ષના યુવાનનું ઉલ્ટી થયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. 150 ફુટ રીંગ રોડ પર પુનીતનગર 8માં રહેતાં હિરેનભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.વ.38) નામના યુવાને રાત્રે ઘરે હતાં ત્યારે એકાએક ઉલ્ટી ચાલુ થઇ જતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ મોત નિપજતા હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હિરેનભાઈને હાર્ટ એટેક આવી ગયાનું સામે આવ્યું છે. ઉછીના આપેલા રૂ.3 લાખ પરત ન આપતાં ખેડૂતે ઝેરી દવા પીધી
પ્રવિણભાઈ ઉકાભાઇ મકવાણા (ઉં.વ.50) ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ પોતાના ગામમાં પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પુછપરછમાં પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, પોતે ખેતી કામ કરે છે અને 4 ભાઈ 2 બહેનમાં નાના છે. ગામના જ હિતેશ રઘુભાઈ શિંગાળાને 3 લાખ ઉછીના આપ્યા હતા જે પરત માંગતા હિતેશે ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા હિતેશને જાણ કરી હતી પણ હિતેશે રૂપિયા આપ્યા ન હતા જેથી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો તેમ છતાં હિતેશ રૂપિયા ન આપતો હોવાથી આ પગલું ભર્યું હતું. હાલ આજીડેમ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના સંત કબીર રોડ નજીક મયુરનગર મેઈન રોડ પર રહેતા બ્રિજેશ હરેશભાઈ ઝાંઝલ (ઉ.વ.23) ગઈકાલે સાંજે 6.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફિનાઈલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમના પિતાએ જણાવ્યું કે, બ્રિજેશ બે બહેનનો એકનો એક ભાઈ છે અને કુંવારો છે. બ્રિજેશ અગાઉ ગેસ્ટ હાઉસ હોટલમાં નોકરી કરતો હતો જે બાદ તેને નોકરી મૂકીને ઝોમેટોમાં ડીલેવરી મેન તરીકે કામ કરવાનું ચાલુ કર્યું હતું. હાલમાં કામ ધંધો સરખો ન ચાલતા આર્થિક ભીંસમાં આવીને આ પગલું ભર્યું હતું. બ્રિજેશ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે તેમનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે. સોની બજારમાં મોબાઈલમાં આઈ.ડી.પર સટ્ટો રમતા શખ્સની ધરપકડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સોની બજારમાં માંડવી ચોક પાસે એક શખ્સ ઉભો હોય જે મોબાઈલમાં આઈ.ડી.નો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શખ્સની અટકાયત કરી નામ પૂછતાં સંદીપ રમેશ ચંદ્ર પારેખ (ઉ.વ.43)ને ઝડપી તેની પાસે રહેલા મોબાઈલની તપાસ કરતાં તેમાં ઓલ પેનલ ત્રિપલ સેવન નામની ક્રિકેટ આઈ.ડી.ખુલી હતી જેમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ચાલતી આઈપીએલ ટી20 મેચ પર સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલ કબજે કરી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે. ભાભીના પ્રેમસંબંધના ફોટા બતાવી શખસે ધમકી આપતા યુવતીએ ફિનાઈલ પીધું
ભોગ બનનાર નિકિતાબેન ગણેશભાઈ પરિહાર (ઉ.વ.23) પોતાના પરિવાર સાથે ગુરુજીનગર ક્વાર્ટરમાં રહે છે. ગુરુગ નામના એક શખ્સને નિકિતાબેનની ભાભી કવિતા સાથે પ્રેમસંબંધ હતો. આ આરોપી ગુરુગે નિકિતાને ડરાવવા અથવા અન્ય કોઈ બદઇરાદાથી પોતાની અને તેની ભાભી કવિતા વચ્ચેના અંગત ફોટાઓ નિકિતાને બતાવ્યા હતા. આ બાબત અત્યંત ગંભીર અને પરિવારની ગરિમાને ઠેસ પહોંચાડનારી હોવાથી નિકિતાએ તાત્કાલિક પોતાની માતાને વાત કરી હતી. પરિવારની આબરૂ બચાવવા માટે પરિવારે હિંમત દાખવીને આરોપી ગુરુગ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. પોતાની વિરુદ્ધ પોલીસમાં અરજી થતાં જ આરોપી ગુરુગ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને આરોપીએ નિકિતાને ધમકાવતા કહ્યું હતું કે, “તમે પોલીસમાં અરજી કરીને સારું નથી કર્યું, હવે હું તમારા ઘરમાં ઘૂસીને તારી માતા પર દુષ્કર્મ આચરીશ.” આટલેથી જ વાત ન અટકતા, આરોપી ગુરુગ રાત્રિના સમયે અન્ય અસામાજિક તત્વોનું આખું ટોળું એકઠું કરીને નિકિતાના ઘર પર હુમલો કરવા ધસી આવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. ઘરની બહાર અજાણ્યા લોકોનું ટોળું અને ઘરમાં ઘૂસીને માતા પર અત્યાચાર કરવાની આરોપીની ગંભીર ધમકીઓથી નિકિતાબેન અંદરથી ડરી ગઈ હતી અને માનસિક રીતે ભાંગી પડી હતી. પિતા દિવ્યાંગ હોવાથી અને ઘરમાં કોઈ મોટો આશરો ન દેખાતા, પોતાની માતાની સુરક્ષા અને પરિવારની આબરૂ અંગે વિચારીને અત્યંત આઘાતમાં સરી પડેલી નિકિતાએ રાત્રિના સમયે ઘરમાં પડેલું ફીનાઇલ પી લીધું હતું.
Read Original Article →