કથિત પત્રકાર ભાવેશ વણવી હત્યા કેસ:શીતલ પાર્ક નજીક ખાનગી પ્લોટ પાસે કારને સાફ કરીને ઢાંકીને મૂકી દેવાઈ હતી, લોહીના ડાઘ શોધવા FSLની મદદ લેવાઈ
કથિત પત્રકાર ભાવેશ વણવીના હત્યા કેસમાં બનાવના 20મા દિવસે પોલીસે જેમાં યુવાનનું અપહરણ કરાયું હતું તે કાર રવિવારે સાંજે શીતલ પાર્ક પાસે ખાનગી પ્લોટની બહાર આવેલી અવાવરું જગ્યામાંથી જપ્ત કરી હતી. આરોપી હમીર જોગરાણાએ કારની સાફ સફાઈ કરી તેને ઢાંકીને રાખી દીધી હતી. પોલીસને કારમાં લોહીના ડાઘ હોવાની શંકા જણાતા FSLની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત, આરોપીએ કારની નંબર પ્લેટ કાઢી સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્લોટની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 20 દિવસ પૂર્વે બનેલા ભાવેશ વણવી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર હમીર મેરાભાઈ જોગરાણા તેમજ દેવકરણ સિંધા મીરને કસ્ટડીમાં લઇ આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપી હમીરે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર ક્યાં છુપાવી રાખી હતી તે અંગે મહત્ત્વપૂર્ણ કબૂલાત કરી હતી. કબૂલાત મુજબ, બનાવ બાદ આરોપીએ સ્વિફ્ટ કારને શીતલ પાર્ક નજીક આવેલી એક 12 માળની ઇમારત પાસે આવેલા ખુલ્લા પ્લોટની બહાર અવાવરું જગ્યાએ સંતાડી મૂકી હતી. કારને લોકોની નજરે ન પડે તે માટે બ્લૂ કલરના કવરથી ઢાંકી દેવામાં આવી હતી અને બસની વચ્ચે રાખવામાં આવી હતી. પોલીસે FSLની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં લોહીના ડાઘ હોવાની શક્યતા વ્યક્ત થતા વૈજ્ઞાનિક તપાસ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. હત્યા પહેલા ભાવેશ વણવીને માર મારી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યો હતો, જેના આધારે કાર મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ કારને સંપૂર્ણ રીતે ધોઈ સાફ કરી દીધી હતી અને નંબર પ્લેટ કાઢી અલગ મૂકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, પોલીસ ટેક્નિકલ અને વૈજ્ઞાનિક સાધનોની મદદથી પુરાવા એકત્રિત કરવા પ્રયત્નશીલ છે. હાલમાં આરોપીને આગામી 7 તારીખ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. 20 દિવસ સુધી કાર ખુલી જગ્યાએ પડી રહી છતાં તે પોલીસના ધ્યાનમાં ન આવી?
15 માર્ચે બનેલા હત્યા કેસમાં મુખ્ય આરોપી 3 એપ્રિલે પકડાયો, પરંતુ આ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર શહેરમાં જ અવાવરું જગ્યાએ ઢાંકીને રાખવામાં આવી હતી. 20 દિવસ સુધી કાર પોલીસના ધ્યાનમાં કેમ આવી નહીં તે મુદ્દે સવાલો ઊભા થયા છે. આરોપી શહેરમાં જ હતો કે નહીં તેમજ કાર ક્યારે મુકાઈ તે અસ્પષ્ટ છે. પોલીસે હવે સીસીટીવી તપાસ શરૂ કરી છે, પરંતુ મોડું પગલું ગણાઈ રહ્યું છે. દરમિયાન આરોપીએ કાર ધોઈ અને નંબર પ્લેટ દૂર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે તપાસની ગતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
Read Original Article →