રાષ્ટ્રપતિના હસ્તે 49 સ્નાતકોને MBBSની પદવી એનાયત:AIIMS રાજકોટનો પ્રથમ પદવીદાન સમારોહ, 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપ્યા

Gujarat4/13/2026, 11:23:05 AM
રાષ્ટ્રપતિના હસ્તે 49 સ્નાતકોને MBBSની પદવી એનાયત:AIIMS રાજકોટનો પ્રથમ પદવીદાન સમારોહ, 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપ્યા
રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) ખાતે વર્ષ 2026નો પ્રથમ પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સંસ્થાની પ્રથમ બેચના 49 MBBS વિદ્યાર્થીઓને તબીબી પદવી એનાયત કરી સમાજ સેવા માટે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યા હતા. 2020માં સ્થાપના બાદ ટૂંકા ગાળામાં શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી AIIMS રાજકોટે આ સિદ્ધિ હાંસલ કરી છે. 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને બિરદાવવામાં આવી હતી. સફળતાપૂર્વક ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર 49 MBBS સ્નાતકો અને એક PDCC (Post Doctoral Certificate Course) તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કુલ 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ મેરિટ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. જેમાં ત્રણેય પ્રોફેશનલ વર્ષોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 'તબીબો દર્દીઓની જીવનશૈલીને યોગ્ય કરે તેવી વિનંતી' રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 40 વર્ષ પહેલા કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસને કોઈ જાણતા ન હતા. આ બીમારીઓ અત્યારે આવી તે માટે યુરીયા, દૂષિત પાણી જવાબદાર છે. જે વ્યવસ્થા બીજી વખત પેદા થાય તે માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ગૌ સંવર્ધન માટે પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ફાસ્ટ ફૂડ અને જંકફુડની વિરૂદ્ધમાં તબીબો દર્દીઓની જીવનશૈલીને યોગ્ય કરે તેવી વિનંતી છે. 'તબીબો માટે દર્દીઓનું હિત સર્વોપરી રહેશે' કેન્દ્રીય આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, આજે રોજ નવી દવાઓ, અને ટેકનિક આવે છે, ત્યારે પોતાને અપડેટ રાખવા જોઈએ. ભારત સરકારે 12 વર્ષમાં મેડિકલ કોલેજ 387 થી વધારી 818 કરી છે. MBBSની સીટ 51000 થી વધારી 1.29 લાખ, પીજીની સીટ 31000 થી વધી 85000 થઈ છે. આ ઉપરાંત 2014 પહેલા 7 AIIMS જ હતી. આજે તેમાં 16નો ઉમેરો થયો છે. જેમાંની એક AIIMS ગુજરાતના રાજકોટની છે. તબીબો માટે દર્દીઓનું હિત સર્વોપરી રહેશે તો જ સ્વસ્થ ભારતથી વિકસિત ભારત તરફની યાત્રા સફળ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા આ ગરિમામય કાર્યક્રમમાં અંદાજે 1000 જેટલા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ હાજર રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી અધિકારીઓ, AIIMS ઇન્સ્ટિટ્યૂટ બોડી અને ગવર્નિંગ બોડીના સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની સફર અને ભવિષ્યનું વિઝન રાજકોટ AIIMSનો પ્રથમ પદવીદાન સમારોહ સંસ્થાની સફરમાં એક નિર્ણાયક ક્ષણ છે જે તબીબી શિક્ષણ, સંશોધન અને દર્દીઓની સંભાળમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે ઝડપથી પરિવર્તિત થઈ છે. 2020માં તેની સ્થાપના પછીના ટૂંકા ગાળામાં સંસ્થાએ શૈક્ષણિક વિસ્તરણ, ક્લિનિકલ સેવાઓ, સંશોધન આઉટપુટ અને સામુદાયિક જોડાણમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ શરૂ કરવાથી લઈને તબીબી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નવીન અભિગમોને એકીકૃત કરવા સુધી AIIMS રાજકોટ રાષ્ટ્રીય આરોગ્યસંભાળ પ્રાથમિકતાઓ સાથે જોડાયેલ ભવિષ્યલક્ષી વિઝન પ્રતિબિંબિત કરે છે.
Read Original Article →