ગોંડલ પ્રાંત અધિકારીની નિમણૂક મુદ્દે કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત:એચ. ટી. મકવાણા, ચિંતન વૈષ્ણવ જેવા કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂંક કરવાની માંગ

Gujarat6/6/2026, 4:54:33 PM
ગોંડલ પ્રાંત અધિકારીની નિમણૂક મુદ્દે કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત:એચ. ટી. મકવાણા, ચિંતન વૈષ્ણવ જેવા કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂંક કરવાની માંગ
ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ગોંડલમાં ખાલી પડેલા પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેક્ટર) પદ પર કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. અગાઉના પ્રાંત અધિકારી ગમાર સાહેબની બઢતી સાથે બદલી થતાં હાલ આ પદ ખાલી છે. એચ. ટી. મકવાણા અથવા ચિંતન વૈષ્ણવ જેવા અધિકારીની માંગ કોંગ્રેસ સમિતિએ પત્રમાં ગોંડલ પંથકમાં ચાલતી કેટલીક ગંભીર ગેરરીતિઓ અને સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. જેમાં મુખ્યત્વે ગોંડલ વિસ્તારમાં ખનીજ ચોરી અને ડુપ્લીકેટ ડીઝલ (L.D.O.) નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ગરીબ માણસોના હકના રેશનિંગના પુરવઠાનું બારોબાર વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત, મહેસૂલના ગેરકાયદેસર હુકમો અને ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણની સમસ્યાઓ પણ વ્યાપક બની છે. પ્રદૂષણ નિયંત્રણમાં પણ ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું પત્રમાં જણાવાયું છે. આવી સમસ્યાઓને ડામવા માટે પત્રમાં માંગ કરવામાં આવી છે કે ચોટીલાના પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અથવા ચિંતન વૈષ્ણવ જેવા બાહોશ અને નિષ્પક્ષ અધિકારીને ગોંડલની જવાબદારી સોંપવામાં આવે. પોલીસ વિભાગ જેવા કડક અધિકારી આપો પત્રમાં એક વિશેષ ઉલ્લેખ પણ કરાયો છે. કોંગ્રેસ પ્રમુખે રાજકોટ રેન્જ આઈ. જી. તરીકે નિર્લિપ્ત રાય જેવા કડક અધિકારીની નિમણૂકનું ઉદાહરણ આપીને જણાવ્યું છે કે, જેમ પોલીસ વિભાગમાં કડક અધિકારી મૂકાયા છે, તેવી જ રીતે મહેસૂલી પ્રક્રિયાની બેદરકારીઓ દૂર કરવા પણ કડક અધિકારી જરૂરી છે. કડક ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરી ચોક્કસ માન્યતા તોડો ગોંડલ પંથક એક અત્યંત સંવેદનશીલ વિસ્તાર તરીકે જાણીતો છે. પત્રના અંતમાં જણાવાયું છે કે, સામાન્ય પ્રજામાં એવી માન્યતા છે કે ગોંડલમાં માત્ર અમુક રાજકીય નેતાઓના માનીતા અધિકારીઓની જ નિમણૂક થાય છે. સરકાર આ વખતે કડક ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરીને પ્રજાના માનસમાંથી આ માન્યતા દૂર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રની નકલ મહેસૂલ મંત્રી અને મહેસૂલ સચિવને પણ રવાના કરવામાં આવી છે.
Read Original Article →