ગોંડલમાં ફરી વાર કાયદો-વ્યવસ્થાના લીરેલીરા:દારૂડિયા શખ્સે દોઢ મિનિટમાં લાકડીના 16 ઘા ઝીંક્યા, આધેડનું સારવાર દરમિયાન મોત
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં ગત બુધવારે મોડી રાત્રે બનેલી એક હૃદયકંપાવનારી મારામારીની ઘટના હવે હત્યામાં પલટાઈ ગઈ છે. દારૂના નશામાં ધુત એક શખ્સે તેના સાગરીતો સાથે મળીને કાકા-ભત્રીજી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 45 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેમની 16 વર્ષની ભત્રીજી ઇજાગ્રસ્ત થઈ છે. માત્ર દોઢ મિનિટમાં ખેલાયો મોતનો તાંડવ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભગવતપરા વિસ્તારમાં આવેલા કોળી વાસમાં રહેતા શેખ પરિવાર પર 20 મે 2026, બુધવારની મોડી રાત્રે આ હુમલો થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે અત્યંત ક્રૂરતાપૂર્વક માત્ર દોઢ મિનિટના ટૂંકા ગાળામાં 45 વર્ષીય નિલેશભાઈ શેખ પર લાકડીના એક પછી એક 16 જેટલા ઘા ઝીંકી દીધા હતા, આ ઉપરાંત છરાના પણ 3 ઘા માર્યા હતા. ત્યારબાદ હુમલાખોરો થોડે દૂર મૃતકના નાના ભાઈ જયેશ શેખના ઘરે તેને પણ મારવા ગયા હતા, જ્યાં તેની 16 વર્ષીય ભત્રીજી ધર્મિષ્ઠા શેખ પર પણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન કાકાએ દમ તોડ્યો
ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં નિલેશભાઈ શેખને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સ્થિતિ અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. આ મોતના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાહન છોડી પગપાળા ભાગ્યા આરોપીઓ
આ ભયાનક વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાનું એક્ટિવા સ્કૂટર ઘટનાસ્થળે જ મૂકીને પગપાળા અંધારામાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ
સ્થાનિક લોકોની ચર્ચા અને પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ હુમલો વિશાલ બાવરીયા નામના દારૂ પીધેલા શખ્સે તેના અન્ય બે સાગરીતો સાથે મળીને કર્યો હતો. ગોંડલ સિટી પોલીસ અને LCB દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને ગુનામાં વપરાયેલું એક્ટિવા બાઈક પોલીસ કબ્જે કરવામાં આવ્યું છે. હુમલાનું કારણ હજુ અકબંધ
દારૂડિયા શખ્સે કયા કારણોસર આટલો ઘાતકી હુમલો કર્યો અને કાકા-ભત્રીજીને નિશાન બનાવ્યા, તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ગોંડલ પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને ફરાર વિશાલ બાવરીયા અને તેના સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓની ધરપકડ બાદ જ આ ક્રૂર હત્યાકાંડ પાછળનું સાચું કારણ જાણી શકાશે. કોળી સમાજની ન્યાયની માંગ
ઘટનાને પગલે ભગવતપરા વિસ્તારમાં કોળી સમાજના લોકો અને આગેવાનો ભેગા થયા હતા અને મૃતકના પરિવારને ન્યાય મળે તેમજ આરોપીઓ સામે પોલીસ કડક પગલાં લે તેવી માંગ કરી હતી. ગોંડલ શહેર તાલુકા કોળી સમાજના પ્રમુખ ચંદુભાઈ ડાભીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં ગુંડાગર્દી, દારૂ, જુગાર, અન્ય જે વસ્તુ ચાલી રહી છે, એ અતિશય વધી રહી છે. આનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો આ હજી મર્ડરો ઝાઝા થઈ જાશે. અને આ સમાજને હિજરત કરવાનો વારો આવશે. કોળી સમાજ આ રીતે સાંખી નહીં લ્યે. અમે સરકારમાં પણ ઉપર જાશું અને એસ.પી. સાહેબને પણ જાણ કરશું.
Read Original Article →