‘મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા…’:ખેતર પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત; વીડિયોમાં રડતાં રડતાં આપવીતી સંભળાવી ઝેરી દવા પીધી
ગોંડલ તાલુકાના ધુડસીયા ગામેથી કાળજું કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. ખેતરના પાડોશીઓ અને કૌટુંબિક ભાઈઓના અસહ્ય માનસિક ત્રાસ, ધાક-ધમકીઓ અને હેરાનગતિથી કંટાળીને એક આશાસ્પદ ખેડૂતે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જોકે, આપઘાત કરતાં પહેલાં ખેડૂતે પોતાના જ મોબાઈલમાં એક હૃદયદ્રાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આપવીતી અને આરોપીઓના નામજોગ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ખેતર પાડોશીઓના ત્રાસથી ખેડૂતે ઝેરી દવા પીધી પ્રાપ્ત વિગતો અનુસાર, ધુડસીયા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવમાં હતા. ખેતરના પાડોશીઓ દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવતા હતા. 21 મે, ગુરૂવારના રોજ આ ત્રાસ અસહ્ય બની જતાં બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ મહેન્દ્રભાઈએ ઝેરી ટિકડા (દવા) ખાઈ લીધા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નીપજ્યું દવા પીતા પહેલાં, સવારે તેમણે પોતાના મોબાઈલમાં રડતાં રડતાં એક વીડિયો બનાવ્યો હતો. દવા ગળ્યા બાદ તેમણે આ અંગે પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે પહેલાં ગોંડલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ગંભીર હાલતના કારણે રસ્તામાં જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાઈરલ વીડિયોમાં આરોપીઓના નામોનો ખુલાસો મૃતક મહેન્દ્રભાઈએ વીડિયોમાં પોતાની જ ત્રણ-ચાર પેઢીના ભાઈઓ અને પાડોશીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મુખ્ય આરોપીઓ તરીકે નીચેના વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે: વીડિયોમાં વર્ણવાયેલો અત્યાચાર અને ત્રાસ મહેન્દ્રભાઈએ વીડિયોમાં જે વિગતો આપી છે તે દર્શાવે છે કે, આરોપીઓએ કઈ હદ સુધી ગુનાહિત માનસિકતા અપનાવી હતી. ત્રાસ એટલો હતો કે આરોપીઓને જોતા જ મહેન્દ્રભાઈનું શરીર ધ્રૂજવા લાગતું છેલ્લા ત્રણ મહિનાથી આ ત્રાસ એટલો વધી ગયો હતો કે, આરોપીઓને જોતા જ મહેન્દ્રભાઈનું શરીર ડરના માર્યા ધ્રૂજવા લાગતું અને છાતીમાં દબાણ અનુભવાતું હતું. આ ભયને કારણે તેમનો પરિવાર છેલ્લા ત્રણ મહિનાથી શાંતિથી જમી પણ શક્યો નહોતો. જો મહેન્દ્રભાઈ વળતો જવાબ આપે તો આરોપીઓ તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મૃતકની અંતિમ ઈચ્છા અને પરિવારને ભાવુક સંદેશ મહેન્દ્રભાઈએ વીડિયોના અંતમાં રડતાં રડતાં પોતાના ભાઈ અરવિંદભાઈ અને ગામલોકોને એક અત્યંત ભાવુક અપીલ કરી છે કે, મારો છોકરો ખૂબ ભોળો છે, તે આ માથાભારે લોકો સામે લડી શકે કે તેમનો સામનો કરી શકે તેમ નથી. મારી વિનંતી છે કે, મારા છોકરાને ખેતીમાં ન રાખતા, તેને ગમે ત્યાં બીજો કોઈ ધંધો કરાવી દેજો. હું હવે આ ત્રાસ જીરવી શકું તેમ નથી એટલે આ પગલું ભરું છું. ‘મારું બલિદાન એળે ન જવા દેતા…’ ગામલોકો અને ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે, મારું આ બલિદાન એળે ન જવા દેતા. મારા ગયા પછી આ લોકોને કડકમાં કડક સજા કરાવજો, જેથી ભવિષ્યમાં મારો દીકરો શાંતિથી વાડીએ જઈ શકે અને આ લોકો બીજા કોઈ ગરીબ ખેડૂતને હેરાન ન કરે. મારા પરિવાર અને ઘરનું ધ્યાન રાખજો અને વાડીએ અવારનવાર આંટો મારતા રહેજો. વૃદ્ધ પિતા, પત્ની, દીકરી અને દીકરાનો વિલાપ આજ વહેલી સવારે મૃતક મહેન્દ્રભાઈની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં આખુ ગામ હીબકે ચડ્યું હતું. મહેન્દ્રભાઈ પોતાની પાછળ વૃદ્ધ પિતા, પત્ની, એક દીકરી અને એક દીકરાને વિલાપ કરતા છોડી ગયા છે. દીકરાએ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે ત્યાં જ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ કાર્યવાહી અને તપાસ આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુલતાનપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતક ખેડૂતના મોબાઈલમાંથી મળી આવેલા વાઈરલ વીડિયોને મુખ્ય પુરાવા તરીકે ગણીને તમામ આરોપીઓની અટક કરી છે. હાલ પૂછપરછ ચાલુ છે. ------ આ પણ વાંચો ગોંડલમાં સંતાનોને ટૂંપો આપી જીવન ટૂંકાવનાર યુવકનો અંતિમ વીડિયો રાજકોટના ગોંડલમાં 9/5/2026ના રોજ 'ગાયત્રી સિમેન્ટ' નામનું કારખાનું ચલાવનાર યુવકે પોતાના બે માસૂમ સંતાનને ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે આ પગલુ ભરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં ધંધો ન ચાલતો હોવાથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ….
Read Original Article →