વોર્ડ નં- 12ની ચૂંટણીનું સમીકરણ:મનપાનો 12 નંબરનો વોર્ડ ચૂંટણી પહેલા જ ભાજપના કબ્જામાં, બાકીના 12 વોર્ડ માટે 130 ઉમેદવારો મેદાનમાં

Gujarat4/12/2026, 12:00:00 AM
વોર્ડ નં- 12ની ચૂંટણીનું સમીકરણ:મનપાનો 12 નંબરનો વોર્ડ ચૂંટણી પહેલા જ ભાજપના કબ્જામાં, બાકીના 12 વોર્ડ માટે 130 ઉમેદવારો મેદાનમાં
પોરબંદર મનપાની ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠક માટે ભાજપે 52 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. મનપાનો 12મો વોર્ડ ચૂંટણી પહેલા જ ભાજપના કબ્જામાં આવ્યો છે. અહીં 12મો વોર્ડ બિનહરીફ થયો છે. આ વોર્ડને બાદ કરતા હવે 12 વોર્ડમાં ચૂંટણી યોજાશે જેમાં ભાજપના 48 ઉમેદવાર સામે કોંગ્રેસે 35, આપે 39 અને બસપાએ 2 ઉમેદવાર ઉતાર્યા જ્યારે 6 અપક્ષ ઉમેદવારે ઝંપલાવ્યું છે. આપ અને કોંગ્રેસ બંને સમયના અભાવે તમામ બેઠક પર ઉમેદવાર ગોઠવવાનું ચૂક્યા હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. પોરબંદરમાં મનપાની ચૂંટણી જાહેર થઈ છે અને 13 વોર્ડમાં 52 સીટ પર ચૂંટણી યોજાશે. શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે મનપાના વોર્ડ નંબર 12 બિનહરીફ થયું છે. મનપાનો 12મો વોર્ડ ચૂંટણી પહેલા જ ભાજપના કબ્જામાં આવી ગયો છે. 12માં વોર્ડમાં એકપણ અન્ય ઉમેદવાર ઊભો ન રહેતા આ 12મો વોર્ડ ભાજપના કબ્જામાં આવ્યો છે. પોરબંદરમાં અન્ય 12 વોર્ડની વાત કરીએ તો હવે 12 વોર્ડની 48 બેઠક માટે 130 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપના 48 ઉમેદવાર, કોંગ્રેસના 35, આમ આદમી પાર્ટીના 39 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બસપાએ 2 ઉમેદવાર અને અપક્ષ 6 ઉમેદવાર પણ મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આગેવાન અને આપના આગેવાને જણાવ્યું હતુ કે, સમયના અભાવે બધા વોર્ડમાં ફોર્મ ભરી શકાયા નથી. આવતીકાલે સોમવારે ફોર્મ ચકાસણી કામગીરી કરવામાં આવશે. પાલિકાની પેટા ચૂંટણીમાં કેટલા ફોર્મ ભરાયા? જિલ્લાના કુતિયાણા પાલિકાના વોર્ડ નંબર 6ની 1 બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઇ છે ત્યારે આ બેઠક માટે ભાજપે 1 અને સપાએ 2 તેમજ અપક્ષમાં 2 મળી કુલ 5 ફોર્મ ભરાયા છે, જ્યારે રાણાવાવ નગરપાલિકાની વોર્ડ નંબર 6ની 1 બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે 1 અને સપાએ 2 ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ પ્રજા સમક્ષ કયા મુદ્દા લઈને જશે? કોંગ્રેસ રોડ, રસ્તા, ગટર, શિક્ષણ મુદ્દો લેશે. ખાસ કરીને પ્રજા જે વેરો ભરે છે તેના પ્રમાણમાં પ્રજાને સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ, વેરા સામે યોગ્ય વળતર પ્રજાને મળવું જોઈએ, હાલ શહેરમાં જરૂરી કામગીરીને બદલે બિન જરૂરી કામો થઈ રહ્યા છે ત્યારે નગર રચના સુધારવા સહિતના મુદ્દા લઈને પ્રજા સમક્ષ કોંગ્રેસ જશે. — રાજુભાઈ ભીમાભાઇ ઓડેદરા, કોંગ્રેસ આગેવાન, પોરબંદર આપ ચૂંટણી માટે કયા મુદ્દે પ્રચાર કરશે? ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રજા સમક્ષ રોડ, પીવાનું સ્વચ્છ પાણી, ગટર વ્યવસ્થા મુદ્દે તેમજ દબાણ દૂર કરતા પહેલા દરેક ઘરને રહેવાની વ્યવસ્થા માટે કાનૂની લડત, લોકોને પોસાઈ તેવા વેરા કરાવવા, લારી પાથરણા વાળાને કાયમી યોગ્ય વ્યવસ્થા, દરેક વોર્ડમાં 1 થી વધુ હોસ્પિટલ ચાલુ કરવા સહિતના મુદ્દા લઈને મેદાનમાં ઉતરશું. — ડો. નૂતનબેન ગોકાણી, શહેર પ્રમુખ, આપ
Read Original Article →