રોજિંદો વેપાર ખોરવાયો:પોરબંદરમાં પરચુરણની ભારે અછતથી વેપારીઓ મુશ્કેલીમાં
પોરબંદર જિલ્લામાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા તેમજ ચલણી નોટોની ગંભીર અછત સર્જાતા નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળા અને ફેરી કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ધી પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા આ મુદ્દે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને કડક રજૂઆત કરી તાત્કાલિક પરચુરણ ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ચેમ્બરે અગાઉ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, માણેક ચોક શાખાને પરચુરણ માટે લેખિત રજૂઆત કરી હતી, પરંતુ બેન્ક દ્વારા પરચુરણ ઉપલબ્ધ નથી કહી અસમર્થતા દર્શાવવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે મંદીના માહોલ વચ્ચે પરચુરણની અછત નાના ધંધાર્થીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. રોજિંદા વ્યવહારો ખોરવાઈ રહ્યા છે અને ગ્રાહકો સાથે માથાકૂટની સ્થિતિ સર્જાઈ રહી છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો નાના વેપારીઓની આર્થિક સ્થિતિ વધુ વિકટ બનશે તેવું જણાવ્યું છે. પરચૂરણ અને નોટની અછત સર્જાઈ હતી
પોરબંદરમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા તેમજ ચલણી નોટોની લાંબા સમયથી અછત સર્જાણી છે. ગત જન્માષ્ટમી થી માંડીને દિવાળી તહેવાર દરમ્યાન પણ પરચૂરણ અને રૂ.10 તેમજ રૂ.20ની ચલણી નોટની અછત સર્જાણી હતી અને એ વખતે પણ રજૂઆત કરવામાં આવી હતી.
Read Original Article →