પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર પરિસરનો કાયાકલ્પ થશે:ગાર્ડન, બેઠક વ્યવસ્થા, વોકવે અને બાળકો માટે રમણીય વિસ્તાર વિકસાવવાની સૂચના અપાઈ
પોરબંદર મનપાના મેયર સાગર મોદીએ મનપાના અધિકારીઓ અને સ્ટાફ સાથે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ સામે આવેલા પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર અને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા સાથે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોને મંદિર પરિસરના વિકાસ માટે સૂચના આપી હતી. પ્રાથમિક આયોજન મુજબ પરિસરમાં ગાર્ડન, ફૂલછોડ, લેન્ડસ્કેપિંગ, લાઇટિંગ અને નાગરિકો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત મંદિર પરિસરમાં સફાઈની જરૂરિયાત જણાતા સેનીટેશન વિભાગને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવા તેમજ સમગ્ર વિસ્તારમાં બ્લોક પાથરી વોકવે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર સાથે આવતા નાગરિકોને ધ્યાનમાં રાખી બાળકો માટે રમતગમતના સાધનો અને રમણિય વિસ્તાર વિકસાવવા પણ સૂચના આપવામાં આવી હતી. મંદિર પરિસરના વિકાસ માટેનો વિગતવાર પ્લાન તૈયાર કરી આગામી સમયમાં જરૂરી કામગીરી શરૂ કરવામાં આવશે. સ્થાનિક આગેવાનો અને ભક્તો સાથે વિકાસ મુદ્દે ચર્ચા મંદિર પરિસરના વિકાસ અંગે મેયર સાગર મોદીએ ખારવા સમાજના અગ્રણી રણછોડભાઈ શિયાળ તેમજ મંદિર સાથે સંકળાયેલા ભરતભાઈ મોદી સહિતના ભક્તો સાથે ચર્ચા કરી હતી. વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને પરિસરની જાળવણી અંગે તેમના સૂચનો મેળવવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે મળેલા સૂચનોને વિકાસ આયોજનમાં સમાવવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Read Original Article →