વેધર રિપોર્ટ:જિલ્લામાં તાપમાન 39.3 ડિગ્રી પહોંચતા બફારો
પોરબંદરમાં ઉનાળાએ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. મહતમ તાપમાન 39.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે જેથી આકરો તાપ અનુભવાય છે લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું છે અને તેમાપણ ભેજનું પ્રમાણ 21 ટકા ઘટીને 29 ટકાએ પહોંચ્યું છે ત્યારે રાત્રે પણ બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. પોરબંદરમાં સોમવારે મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 1.7 ડિગ્રીનો વધારો નોંધાતા શહેરમાં કાળઝાળ ગરમીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ગરમ પવનો અને આકરા તડકાના કારણે લોકો શેકાઈ ઉઠ્યા હતા અને મુખ્ય રસ્તાઓ પર પણ અવરજવર ઓછી જોવા મળી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ ગઈકાલે રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ 50 ટકા રહ્યું હતું. તેની સામે સોમવારે મહત્તમ તાપમાન વધીને 39.3 ડિગ્રી પહોંચ્યું હતું. લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી રહ્યું હતું, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 21 ટકા ઘટીને માત્ર 29 ટકા નોંધાતા ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો હતો. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી અવરજવર જોવા મળી હતી. ગરમીથી બચવા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ છાશ, ઠંડા પીણાં, શેરડીના રસ અને આઇસક્રીમની દુકાનો પર લોકોની ભીડ ઉમટી પડી હતી. ગરમીના કારણે બાઈકચાલકો અને મજૂર વર્ગને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાનમાં સતત ફેરફાર અને ભેજમાં ઘટાડાના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તબીબોએ ખાસ કરીને બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા તકેદારી રાખવાની સલાહ આપી છે.
Read Original Article →