રજૂઆત:ઠોયાણા, રાણા કંડોરણા, ભોડદર, મહિયારા અને નેરાણા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા
પોરબંદર જિલ્લાના રાણાવાવ- કુતિયાણાના પંથકના ઠોયાણા, રાણા કંડોરણા, ભોડદર, મહિયારા અને નેરાણા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે.આ ગામોમાં દૂષિત અને મોરું પાણી વિતરણ થતું હોવાથી કિડની સહિતના પેટના દુખાવાના રોગ વધ્યા છે જેથી નર્મદાનું પાણી વિતરણ કરવા રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અને કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરુભાઈ ઓડેદરાએ રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામોમાં પીવાના અશુદ્ધ પાણીની સમસ્યા અંગે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.રાણાવાવ અને કુતિયાણા પંથકના ઠોયાણા, રાણા કંડોરણા, ભોડદર, મહિયારા અને નેરાણા જેવા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને મેરુભાઈએ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે. આ રજુઆતમાં જણાવ્યું હતું કે આજુબાજુના દરેક ગામોમાં નર્મદાના નીર પહોંચી ગયા છે, તો શું આ રહી ગયેલા ગામો પાકિસ્તાનમાં આવે છે? સરકારના વિકાસ રથ માત્ર કાગળ પર દોડે છે, જમીન પર તો હજુ પણ લોકો ખારું અને અશુદ્ધ પાણી પીવા મજબૂર છે.જેથી આતમામ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક અસરથી નર્મદા પ્રોજેક્ટનું શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે,ગામની પાણીની ટાંકીઓની સફાઈ અને પાઈપ લાઈનના લીકેજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે,જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. વિકાસ રથ અને અધિકારીઓના પોલા આશ્વાસનો
જ્યારે સરકારનો ''વિકાસ રથ'' આ વિસ્તારમાં આવ્યો હતો ત્યારે પણ ગ્રામજનો દ્વારા પાણી બાબતે રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી. તે સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ માત્ર ''આશ્વાસનોની લહાણી'' કરી હતી. આજે લાંબો સમય વીતી ગયો હોવા છતાં નર્મદાનું શુદ્ધ પાણી આ ગામો સુધી કેમ નથી પહોંચ્યું? તે એક મોટો સવાલ છે. અધિકારીઓ માત્ર વાતો કરે છે પણ જનતાની તરસ છિપાવવામાં નિષ્ફળ રહ્યા છે.
Read Original Article →