રાણાવાવમાં ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો:રૂ.7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ
પોરબંદર એલ.સી.બી.એ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાનગઢથી રાણાવાવ રોડ પર લધાધારના પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જામનગર તરફથી આવતા ટ્રકને રોકી તપાસ કરતા આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની કુલ 202 બોટલો અને 141 બીયરના ટીન મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. 2,53,220 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5 લાખની કિંમતનો ટ્રક અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,58,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઈવર રિયાઝ ગફારભાઈ કાતિયાર (ઉંમર 28, રહેવાસી રાણાવાવ) ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો મંગાવનાર અને ટ્રકને પાયલોટિંગ કરનાર અમીન જુસબભાઈ પઢિયાર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →