રાણાવાવ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:બોલેરો પીકઅપમાંથી 804 બોટલ, રૂ.4.48 લાખનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર જિલ્લામાં રાણાવાવ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાણાવાવ-જામનગર ચોકડી પાસે, ગીરનારી અન્નક્ષેત્ર નજીકથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી કુલ 804 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂ.4.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પેટ્રોલીંગ દરમિયાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી અને તેમના સ્ટાફને કુતિયાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એસ. વાળા તરફથી ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાણાવાવ-જામનગર ચોકડી પાસે, ગીરનારી અન્નક્ષેત્ર નજીક રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી (રજી. નં. GJ-13-W-2250) ને અટકાવવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 12-12 બોટલો ભરેલા કુલ 67 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 804 બોટલ દારૂ હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 804 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ.3,48,500/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડીની કિંમત રૂ. 1,00,000/- ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.4,48,500/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનામાં બોલેરો ચાલક પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. પોલીસે નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →