સરપંચના ભાઈઓ દ્વારા ગેરકાયદેસર તબેલો અને ફેક્ટરી પાસે દબાણ‎:રાણા બોરડી ગામના સરપંચ અને મળતિયાઓ સામે સરકારી તથા ગૌચર જમીન પચાવી પાડવાના આક્ષેપ

Gujarat6/3/2026, 12:00:00 AM
રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામમાં દબાણ અને સત્તાના દુરુપયોગનો એક સળગતો મામલો સામે આવ્યો છે. રાણા બોરડીના વર્તમાન સરપંચ અને તેમના સગા-સંબંધીઓ દ્વારા ગૌચર તેમજ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દેવાયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ, સરપંચની પાદરવાળી જમીન વિસ્તારમાં અગાઉ ગ્રામ પંચાયત હસ્તકનો એક સરકારી કૂવો અને પશુઓ માટેનો અવેડો અસ્તિત્વમાં હતા. પ્રાથમિક વિગતો અનુસાર, આ સરકારી મિલકત અને પંચાયતની જગ્યાને દબાવી દઈ, તેને પોતાની અંગત માલિકીની દર્શાવીને ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવ્યો છે. રાણા બોરડી સરહદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત કોકેશ્વર મહાદેવ મંદિર નજીક, દોલતગઢ જવાના રસ્તાની ગોળાઈ પર જ સરપંચના ભાઈઓ દ્વારા ગેરકાયદેસર રીતે એક મોટો તબેલો ઊભો કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત, બાજુમાં આવેલા કોલસાની ફેક્ટરી નજીક પણ સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આથી સમગ્ર વિસ્તારનું તાત્કાલિક સીમા ચકાસણી (સરવે) કરાવી, વાસ્તવિક સ્થિતિ જાહેર કરી તુરંત ડિમોલિશન કરવાની માંગ ઉઠી છે. સરપંચે ફોન ન ઉપડ્યો રાણા બોરડી ગામે સરપંચ અને તેમના મળતીયા દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે રજુઆત થઈ છે ત્યારે આ બાબતે ગામના સરપંચ સાગાભાઈ મોરીને ફોન દ્વારા સંપર્ક કરવામાં આવતા તેવોએ ફોન રિસીવ કર્યો ન હતો કાયદાના લીરેલીરા: તંત્રની કામગીરી પર નજર ગૌચરની જમીન જાહેર હિત અને પશુઓના ચરણ માટે અનામત હોય છે. તેના પર કોઈ પણ પ્રકારનું ખાનગી બાંધકામ પંચાયતી રાજ અને મહેસૂલી કાયદાઓનો સરેઆમ ભંગ છે. જવાબદાર પદ પર બેઠેલા સરપંચ સામે જ જ્યારે કાયદાના ભંગના ગંભીર આક્ષેપો થયા છે, ત્યારે હવે જવાબદાર સરકારી તંત્ર આ દબાણો હટાવવા માટે કેવા પગલાં ભરે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે.
Read Original Article →