પોરબંદર દરિયા કિનારેથી 5.58 લાખનું ચરસ ઝડપાયું:SOG પોલીસે બિનવારસી પેકેટો જપ્ત કરી કાર્યવાહી કરી
પોરબંદરના દરિયા કિનારેથી રૂ. 5,58,000ની કિંમતનો 2 કિલો 232 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો છે. પોરબંદર SOG પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસી પેકેટો જપ્ત કર્યા હતા. આ અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે ડ્રગ્સ માફિયાઓ ઘણીવાર ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દેતા હોય છે, જે તણાઈને કિનારે આવતો હોય છે. આવી જ એક ઘટનામાં, SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, ભીમાભાઈ ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડિયાને ઓડદર ગામના સ્મશાનથી રંગબાઈ મંદિર વચ્ચે આવેલા 'દાદીમાના દેશીભાણું' હોટલ પાછળ દરિયા કિનારેથી શંકાસ્પદ પેકેટો મળ્યા હતા. પોલીસે તપાસ કરતા મારીજુઆના હસીસ (ચરસ) ના કુલ 2 પેકેટો મળી આવ્યા હતા. આ ચરસના જથ્થાનું કુલ વજન 2 કિલો 232 ગ્રામ છે, જેની બજાર કિંમત રૂપિયા 5,58,000 આંકવામાં આવી છે. આ મામલે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદર પોલીસે જાહેર જનતા અને માછીમાર ભાઈઓને અપીલ કરી છે કે, દરિયા કિનારે આવા કોઈ શંકાસ્પદ પેકેટ કે બિનવારસુ વસ્તુ મળી આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0286-2220922 અથવા કોસ્ટલ સિક્યુરિટી ટોલ ફ્રી નંબર 1093 ઉપર જાણ કરવી.
Read Original Article →