પોરબંદર રેલવે પોલીસે ટ્રેનમાં ભૂલાયેલો કિંમતી થેલો પરત કર્યો:₹2.10 લાખનો સોનાનો ચેઈન અને જ્વેલરી મૂળ માલિકને મળી
પોરબંદર રેલવે પોલીસે ટ્રેનમાં ભૂલાયેલો આશરે ₹2.10 લાખની કિંમતનો સોનાનો ચેઈન અને અન્ય જ્વેલરી ભરેલો થેલો તેના મૂળ માલિકને પરત કર્યો છે. રેલવે પોલીસની આ પ્રમાણિક અને ત્વરિત કામગીરીએ મુસાફરોની સુરક્ષા અને તેમના કિંમતી સામાનની જાળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઘટના 07 એપ્રિલ, 2026 ના રોજ બની હતી. કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પોરબંદર રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ, ફરજ પરના ASI અમિતભાઈ પરબતભાઈ, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મુળુભાઈ અને કેતનગીરી મનસુખગીરીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન તેમને AC કોચ B/3 માં સીટ નીચેથી એક બિનવારસુ કાળો થેલો મળી આવ્યો હતો. થેલાની તપાસ કરતા તેમાંથી પીળી ધાતુનો ચેઈન, લેડીઝ ઈમીટેશન જ્વેલરી અને કપડાં મળી આવ્યા હતા. રેલવે હેલ્પલાઈન નંબર 138 પર આ થેલા અંગે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતા પોલીસે મુસાફરનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કેરળના રહેવાસી શીજી રોબર્ટ કાકકારાકુઝેર પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા અને ઉતાવળમાં પોતાનો સામાન ટ્રેનમાં ભૂલી ગયા હતા. પોલીસે સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, આશરે 1.8 ગ્રામનો સોનાનો ચેઈન (જેની કિંમત અંદાજે ₹2,10,000 છે) તથા અન્ય જ્વેલરી અને સામાન ભરેલો થેલો શીજી રોબર્ટને 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત પરત સોંપ્યો હતો. પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પાછો મળતા મુસાફર શીજી રોબર્ટે પોરબંદર રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →