પોરબંદર પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ:10 અધિકારીઓની બદલી, 7ને નવા સ્થાનો, 3ની આંતરિક ફેરબદલ
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સ્તરના કુલ 10 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરાયા છે. આ આદેશ અનુસાર, અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા સાત અધિકારીઓને પોરબંદર જિલ્લામાં નવા નિમણૂક સ્થાનો સોંપવામાં આવ્યા છે. આ અધિકારીઓને ગાંધીનગર પોલીસ મહાનિર્દેશકની કચેરીના આદેશથી પોરબંદર જિલ્લામાં હાજર કરાયા હતા. નવા નિમણૂક પામેલા અધિકારીઓમાં બી.જી. ડાંગરને રાણાવાવ પોલીસ સ્ટેશન, સી.કે. કાતરીયાને હાર્બર મરીન પોલીસ સ્ટેશન અને એમ.એચ. લાઠીને એલ.આઈ.બી. (LIB) માં મૂકવામાં આવ્યા છે. વધુમાં, કે.વી. પરમારને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન, એ.એન. જાડેજાને એસ.ઓ.જી. (SOG) અને આર.જે. રામને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. ડી.ડી. ચૌહાણને માધવપુર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે. જિલ્લામાં કાર્યરત ત્રણ અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. વહીવટી સુવિધા માટે તેમની જગ્યામાં ફેરફાર કરાયો છે. આંતરિક બદલી પામેલા અધિકારીઓમાં PI વાય.જી. માથુકીયાને એસ.ઓ.જી.માંથી મિયાણી મરીન પોલીસ સ્ટેશન, PI એસ.આર. ચૌધરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. PSI આર.એ. ઝાલાને એસ.ઓ.જી.માંથી બગવદર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક અપાઈ છે. પોલીસ અધિક્ષક પી. એસ. જાડેજાએ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા નિમણૂક સ્થળનો ચાર્જ સંભાળી લેવા અને તે અંગેનો રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Read Original Article →