બેઠક:ચૂંટણી પૂર્વે પોરબંદર પોલીસ એલર્ટ મોડમાં

Gujarat4/8/2026, 12:00:00 AM
બેઠક:ચૂંટણી પૂર્વે પોરબંદર પોલીસ એલર્ટ મોડમાં
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક આયોજન હાથ ધરાયું છે. પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્રાઈમ કોન્ફરન્સ હોલ ખાતે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માથાભારે તત્વો સામે પાસા, તડિપાર જેવા અટકાયતી પગલાં લેવાની દિશામાં સૂચના અપાઈ છે. સાથે જ પ્રોહિબિશનને કડક અમલમાં લાવવા વધુ દરોડા પાડીને દારૂબંધી મજબૂત કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનોને સોશિયલ મીડિયા પર સતત નજર રાખી મોનીટરીંગ કરવા, તેમજ NBW વોરંટની અસરકારક બજવણી કરીને આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. કોઈપણ બનાવ સમયે તાત્કાલિક કામગીરી માટે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને સ્ટેન્ડબાય રાખવા તેમજ દિવસ-રાત પેટ્રોલિંગમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હિસ્ટ્રીશીટર, બુટલેગર અને શંકાસ્પદ તત્વો પર સતત નજર રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડિવિઝનલ ડીએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરો અને વિવિધ થાણાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં 9 ચેકપોસ્ટ સક્રિય જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં કુતિયાણા, માધવપુર, મિયાણી, રાણાવાવ અને બગવદર વિસ્તારનો સમાવેશ થાય છે. સંવેદનશીલ મતદાન મથકો પર અર્ધલશ્કરી દળોની તૈનાતી સાથે કડક નજર રાખવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
Read Original Article →