પોરબંદરમાં યુવકની હત્યાના કેસમાં ત્રણ આરોપી ઝડપાયા:કમલાબાગ પોલીસે સગાઈ તૂટવાના ઝઘડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો
પોરબંદરમાં સગાઈ તૂટવાના મનદુઃખને કારણે થયેલી હત્યાના ગુનામાં કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બિરલા હોલ પાછળ આવેલા નેહરુ પેલેસ એપાર્ટમેન્ટમાં બપોરના સમયે આ ઘટના બની હતી, જેમાં ૩૫ વર્ષીય વૃંદાબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ બપોરના સમયે નેહરુ પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે, બ્લોક નં.301માં બન્યો હતો. ફરિયાદીની સગાઈ ગત તા. 15-05-2026ના રોજ આરોપી સુહાસી જગદીશભાઈ રાયચુરા સાથે પરિવારની સંમતિથી થઈ હતી. જોકે, છેલ્લા દોઢ-બે માસથી સુહાસી ફરિયાદી અને તેમના પરિવાર સાથે ગાળાગાળી કરી ઝઘડા કરતો હતો. આથી ફરિયાદીએ સગાઈ તોડવાની વાત કરતાં સુહાસી મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. સુહાસીએ ઘરે જઈ ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ તેના પિતા જગદીશભાઈ રાયચુરા તથા માતા શિલ્પાબેન રાયચુરાને પણ બોલાવી લીધા હતા. આ ત્રણેય આરોપીઓએ ફરિયાદી, તેમના પપ્પા અને બંને બહેનોને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન ફરિયાદીની મોટી બહેન વૃંદાબેન (ઉ.વ.35, રહે. જૂનાગઢ) પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારતી હતી. આ જોઈને આરોપી જગદીશભાઈ રાયચુરા પ્લાસ્ટિકનો પાઇપ લઈને તેમને મારવા દોડ્યા હતા. ફરિયાદી વચ્ચે પડતાં જગદીશભાઈએ તેમને પકડી રાખ્યા હતા, જ્યારે સુહાસી અને શિલ્પાબેને વૃંદાબેનને જોરથી ધક્કો માર્યો હતો. વૃંદાબેન કબાટ સાથે ભટકાઈને નીચે પલટાઈ જતાં તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં સુહાસી દીકરી જગદીશભાઈ રાયચુરા, જગદીશભાઈ લીલાધર રાયચુરા અને શિલ્પાબેન પત્ની જગદીશભાઈ રાયચુરાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ શ્રી જી સંકુલ એપાર્ટમેન્ટ, ફાયર બ્રિગેડ સામે, ઝુંડાલા, પોરબંદરના રહેવાસી છે. ફરિયાદીની પૂછપરછ બાદ આરોપીઓ ગુનો કરીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. કમલાબાગ પોલીસે તાત્કાલિક સર્વેલન્સ ટીમ બનાવી બાતમી મેળવી કે આરોપીઓ પોતાના રહેણાંક મકાને છે અને ભાગી જવાની તૈયારીમાં છે. સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમશી પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, વિજય ખીમાભાઈ, સુરેશ કીશાભાઈ અને દક્ષાબેન ગીજુભાઈએ તાત્કાલિક તેમના રહેણાંક મકાને જઈ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
Read Original Article →