પોરબંદર મહાપાલિકામાં સફાઈ કર્મચારીનો દારૂ પીને હંગામો:કપડાં કાઢી ગાળો ભાંડી, 112 પોલીસે દબોચ્યો

Gujarat5/21/2026, 10:19:42 AM
પોરબંદર મહાપાલિકામાં સફાઈ કર્મચારીનો દારૂ પીને હંગામો:કપડાં કાઢી ગાળો ભાંડી, 112 પોલીસે દબોચ્યો
પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં એક સફાઈ કર્મચારીએ નશાની હાલતમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાથી કચેરીમાં હાજર નાગરિકો અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ કાયમી કર્મચારીએ જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાના કાયમી સફાઈ કર્મચારી જશવંત કાનજી ઝાલાએ ચાલુ ફરજ દરમિયાન અતિશય નશો કરેલી હાલતમાં કચેરી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તેણે ત્યાં હાજર અરજદારો અને સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. નશાની હાલતમાં તેણે જાહેરમાં પોતાના કપડાં કાઢી નાખ્યા હતા અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાને પગલે હાજર લોકોએ તાત્કાલિક Emergency 112 ટીમનો સંપર્ક કર્યો હતો.112 ની ટીમે ગણતરીની મિનિટોમાં મહાનગરપાલિકા ખાતે પહોંચી નશામાં ધૂત કર્મચારીને પકડી પાડ્યો હતો. પોલીસની સમયસરની કાર્યવાહીથી કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી. પોલીસે આ કર્મચારીને કમલાબાગ પોલીસ સ્ટેશન લઈ જઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સ્થાનિકો અને અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોમાં એવી ચર્ચા છે કે કચેરીમાં આવા બનાવો અવારનવાર બનતા રહે છે. નાગરિકોની સુવિધા માટેની સરકારી કચેરીઓમાં સુરક્ષા જાળવવા અને આવા બેજવાબદાર કર્મચારીઓ સામે કડક ખાતાકીય પગલાં લેવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠી છે.
Read Original Article →